ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિત
વોર્ડ અને તાલુકા પ્રમુખપદ માટે 40 વર્ષની વયમર્યાદાએ ભડકો કર્યો ? કારકિર્દી બનાવવી કે રાજકારણ કરવું ?
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની પસંદગી માટે શનિ અને રવિવાર દરમિયાન ગુજરાતભરમાં ભાજપના ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા કરવામાં આવ્યા બાદ ગઇકાલે સાંજે અચાનક જ ભાજપના દિલ્હી સ્થિત હાઇકમાન્ડની સુચનાથી ગુજરાતભરમાં વોર્ડ અને તાલુકા (મંડલ) ભાજપના પ્રમુખોની પસંદગી પ્રક્રિયાને અચાનક જ બ્રેક મારી દેવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ગઇકાલે દિલ્હીથી ગુજરાત પ્રદેશ ભાજપને અને ત્યાંથી દરેક શહેર - જિલ્લા ભાજપ પ્રમુખોને સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દેવા સુચના આપવામાં આવતા પ્રમુખોની પસંદગી માટે આવેલા ચૂંટણી અધિકારીઓ પણ સાંજે રવાના થઇ ગયા હતા.
ભાજપના ટોચના સુત્રોના કહેવા મુજબ તાલુકા અને વોર્ડ ભાજપ પ્રમુખોની પસંદગી પ્રક્રિયામાં 40 વર્ષની વયમર્યાદા નકકી કરાઇ હતી. તેની સામે ભારે ઉહાપો થતા અને આ વયમર્યાદામાં મંડલ પ્રમુખ પદ માટે યોગ્ય ઉમેદવારો મળી શકે તેમ નહીં હોવાનો હાઇકમાન્ડ સુધી રિપોર્ટ પહોંચતા ગઇકાલે અચાનક સમગ્ર પ્રક્રિયાને બ્રેક મારી દેવામાં આવી હતી.
આ પૂર્વે ગત શનિવારે અને રવિવારે ગુજરાતભરમાં શહેર તથા જિલ્લા ભાજપ કાર્યાલયો ખાતે મંડલ પ્રમુખ પદના દાવેદારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જયારે આજથી બે દિવસ શહેર - જિલ્લા ભાજપ સંકલનની બેઠકો અને પ્રદેશ કક્ષાએથી નિમાયેલા ચૂંટણી અધિકારીઓ દ્વારા કાર્યકરોની સેન્સ લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હતી. પરંતુ તે પૂર્વે દિલ્હીથી અચાનક જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવાની સુચના આવતા સ્થાનિક આગેવાનો પણ આશ્ર્ચર્યમાં મુકાયા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં 41 જિલ્લા અને 580 મંડલ છે. રાજય સરકારે થોડા મહિલા પહેલા પોરબંદર અને મોરબી સહિતની નગરપાલીકાઓને મહાનગર પાલિકાનો દરજજો આપ્યો હતો. જેના કારણે ભાજપ સંગઠનમાં મંડલ અને જિલ્લા પ્રમુખોની સંખ્યા પણ વધે તેમ છે. ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની મુદ્દત પુરી થઇ ગઇ હોવાથી આગામી જાન્યુઆરી માસમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક થાય તે પૂર્વે મંડલ અને જિલ્લા પ્રમુખોની નિમણુંકો માટે ભાજપ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
વોર્ડ અને તાલુકા (મંડલ) ભાજપના પ્રમુખપદ માટે વયમર્યાદા 40 વર્ષ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે વયમર્યાદા 60 વર્ષ નકકી કરવામાં આવી હતી. આ ઉપરાંત સતત બે ટર્મ સુધી સક્રિય સભ્ય રહયા હોય તેમને જ પ્રમુખપદ માટે દાવેદાર ગણવાની માર્ગદર્શીકા પણ જાહેર કરવામાં આવી હતી. પરંતુ મંડલ પ્રમુખોમાં 40 વર્ષની વયમર્યાદાના કારણે ભાજપમાં અંદરખાને ભારે નારાજગી જોવા મળી હતી. આ ઉંમરે સામાન્ય રીતે કામધંધા સહિતની કારકીર્દી ઘડવામાં યુવાનો વ્યસ્ત હોય છે તેવામાં મફતનુ રાજકારણ કરવામાં યોગ્ય ઉમેદવારોએ રસ દાખવ્યો ન હોવાથી હાલની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહયુ છે. જો કે પ્રદેશ ભાજપ દ્વારા કયા કારણોસર સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરાઇ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માત્ર શહેર - જિલ્લા પ્રમુખોને મૌખિક સુચના આપી દેવામાં આવી છે.
વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવામાં આવે તેવી શકયતા
ભાજપમાં મંડલ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાને અચાનક બ્રેક મારી દેવામાં આવતા ભાજપમાં તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહી છે. તેમા સૌથી ચર્ચાસ્પદ મુદ્દો મંડલ પ્રમુખ માટે 40 વર્ષની વયમર્યાદા હોવાનુ માનવામાં આવે છે. 40 વર્ષની ઉંમરના યુવાનો કારકીર્દી છોડીને મફતનુ રાજકારણ કરવા તૈયાર નહીં થતા લાયક ઉમેદવારો મળવા મુશ્કેલ હોવાનુ રીપોર્ટ ભાજપ હાઇકમાન્ડ સુધી જતા સમગ્ર પ્રક્રિયાને બ્રેક મારી દેવામાં આવી હોવાનુ સુત્રો જણાવી રહયા છે. ભાજપના સુત્રોના કહેવા મુજબ આગામી દિવસોમાં આ વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવામાં આવે તેવી શકયતા છે. આ ઉપરાંત અન્ય કેટલાક નિયંત્રણો પણ હળવા કરવા પાર્ટી ઉપર તાલુકા કક્ષાએથી ભારે દબાણ હોવાની ચર્ચા છે.
રાજકોટ શહેરના 18 વોર્ડમાં 132, જિલ્લાના 17 મંડલમાં 111 દાવેદાર
ગુજરાત ભાજપ દ્વારા વોર્ડ અને તાલુકા પ્રમુખોની નિમણુંક માટે શનિ-રવિ દરમિયાન 40 વર્ષ સુધીના દાવેદારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ દરમિયાન રાજકોટ શહેરના 18 વોર્ડમાં 132 દાવેદારોએ ફોર્મ ભર્યા હોવાનુ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યુ હતુ. ત્યારે રાજકોટ જિલ્લાના તાલુકા અને ગોંડલ - ધોરાજી - જેતપુર - ઉપલેટા - જસદણ સહિતના 17 મંડલો માટે કુલ 111 ઉમેદવારોએ પ્રમુખપદ માટે ફોર્મ ભર્યા હોવાનુ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોરીયાએ જણાવ્યુ હતુ. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યુ હતુ કે ગઇકાલ સુધીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા થઇ હતી. પરંતુ ત્યારબાદ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવાની પ્રદેશમાંથી સુચના આવતા હાલ આ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.