ભાજપે મને મંત્રીપદની ઓફર કરી પણ મે સ્વીકારી નહીં: ચૈતરે બોંબ ફોડયો!
ગાંધીનગરમાં મોટા લોકોએ મળીને ઓફર કર્યાનો દાવો
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાએ અત્યારે જામીન પર છે. ગઈકાલે એક જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને મંત્રીમંડળમાં જોડાવાની સીધી ઓફર કરવામાં આવી હતી. જોકે, ચૈતર વસાવાએ આ ઓફરને સ્પષ્ટપણે નકારી કાઢી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના માટે ગરીબ જનતાનો પ્રેમ અને આશીર્વાદ મંત્રી કે મુખ્યમંત્રી પદ કરતાં પણ વધુ મોટી વાત છે.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ત્રણ દિવસની પેરોલ પર બહાર આવ્યા અને ગાંધીનગર ગયા, ત્યારે મોટા મોટા લોકો તેમને મળ્યા હતા. આ લોકોએ તેમને કહ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને તેઓ ભાજપ સાથે જોડાઈ જાય તો તેમને મંત્રી બનાવી દેવામાં આવશે. પરંતુ ચૈતર વસાવાએ ભારપૂર્વક કહ્યું કે તે ક્યારેય ઝૂકશે નહીં.
ચૈતર વસાવાએ પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું મંત્રી બની જાઉં, મુખ્યમંત્રી બની જાઉં, કરોડો અબજો રૂૂપિયા વસાવી લઉં, મિલકતો પ્રોપર્ટીઓ કરી લઉં, પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂૂપિયાની કોઈ કિંમત નથી જનતાનો આ પ્રેમ, સાથી મિત્રોનો સહકાર અને વડીલોના આશીર્વાદ જ તેમની ‘ગરિમા’ અને ‘પુંજી’ છે. આ જનતાના પ્રેમની સામે તેમને મંત્રીપદની કોઈ ગરિમા લાગતી નથી.
પોલીસ અધિકારીઓ અને નેતાઓના વલણ પર નારાજગી વ્યક્ત કરતા વસાવાએ જણાવ્યું હતું કે, કેટલાક અધિકારીઓ અને નેતાઓ તેમના શરતી જામીન મળવા છતાં રાજી રાજી થાય છે. તેઓ કહે છે કે તેમને ડેડિયાપાડામાં જવા દેવામાં નહીં આવે અને આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા પર પ્રતિબંધ લાગી જશે.
પરંતુ વસાવાએ આ નેતાઓ અને પોલીસ અધિકારીઓને સીધો પડકાર આપતા કહ્યું હતું કે, આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહેશે. તમે ટેડિયા પાડામાંથી કાઢી નાખશો, તમે નર્મદામાંથી કાઢી નાખશો, અમે તો લોકોના દિલોમાં રહીએ છીએ. ત્યાંથી ક્યારેય કાઢી નથી શકવાના.