સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ
દેશભરમાં ભાજપે સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. ભાજપે ગુજરાત સહિત અનેક રાજ્યમાં સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાના બાળકોને સભ્ય બનાવવાનું શરૂ કરતા વિવાદ થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના અણીન્દ્રા ગામની શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ભાજપના સભ્યો તરીકે રજિસ્ટ્રેશન કરવા બાળકોના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર મેસેજ કરવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓએ વાલીનો ફોન ફરજિયાત લાવવા જાણ કરવાનો મેસેજ પણ કરવામાં આવ્યો હતો. ધોરણ 9ના અનેક વિદ્યાર્થીઓને ભારતનો ઝંડો પકડાવી ભાજપના સભ્યકાર્ડ બનાવી લેવાયાના ફોટો વાયરલ થતાં આ વિવાદ ઉભો થયો છે.
આ વિવાદ સામે આવ્યા બાદ શાળાના આચાર્ય અચાનક જ રજા પર ઉતરી ગયા છે. ભાજપના સદસ્ય બનેલા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપીને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા.