વકીલોની ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખવા ભાજપ લીગલ સેલે સોગઠા ગોઠવ્યા
સિનિયર જૂનિયરની પેનલ બનાવી દમદાર વકિલોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની ઘડાઇ રહી છે રણનીતિ
લીંગલ સેલમાં ન હોય તેવા વકીલોની સમરસ પેનલને ચૂંટણી લડાવશે ; લીગલ સેલના માળખામાં પણ ફેરફાર થવાની સંભાવના
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ગત વર્ષે ભાજપ લીગલ સેલને પછડાટ મળ્યા પછી આ વર્ષે છાશ પણ ફુકી ફુકીને પીશે અને જીતના તમામ પાસાઓને ધ્યાને લઈને સિનિયર જુનિયરની પેનલ વાળી ટીમ બનાવી ચૂંટણી જીતી શકે તેવા દમદાર વકીલોને ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો પ્રયાસ અત્યારથી જ શરૂૂ કરી દેવામાં આવ્યો છે આગામી તા.19 ડિસેમ્બરે યોજનારી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં શિયાળો શરૂૂ થતા પહેલા જ ગરમાવો આવી ગયાનું વકીલોમાં ચર્ચાય રહ્યું છે.
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા રાજ્યના 280 વકીલ મંડળોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ દરેક જિલ્લા અને તાલુકા મથકોએ આગામી તારીખ 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનારી છે ત્યારે આ ચૂંટણી યોજાઈ તેના ત્રણ માસ પૂર્વે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ દ્વારા પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું વકીલ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે વધુ એક વખત ભાજપ સમર્પિત બે જૂથ આમને સામને આવે તો નવાઈ નહીં ત્યારે ચૂંટણી સમયે સમીકરણો બદલાઈ નહીં તો નવાઈ નહીં તેમ આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ બાર એસોસિએશનની ચૂંટણીની તારીખો જાહેર થતા ઉમેદવારો માટે સિનિયરો દ્વારા પોતાના ટેકેદારોમાં નામો અને પેનલો બનાવી સોશિયલ મીડિયામાં પ્રચાર અને પ્રસાર કરી રહ્યા કરી રહ્યા છે ત્યારે ભાજપ લીગલ સેલ દ્વારા લીગલ સેલમાં નોંધાયેલા સભ્યોમાંથી ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે પરંતુ ગત ચૂંટણીમાં ભાજપ લીગલ સીલ દ્વારા પડદા પાછળ રહીને પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ સત્તાવાર રીતે ભાજપ લીગલ સેલની પેનલ છે તેવું જાહેર કરાયું ન હતું અને ગત ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ તરફી મનાતી પેનલનો પરાજય થયો હતો અને ભાજપનાઆગેવાનની ઉમેદવારની પેનલનો વિજય થયો હતો.
આ પરિસ્થિતિમાં અગમ ચેતીના ભાગરૂૂપે અત્યારથી ભાજપ લીગલ સમિતિએ ચૂંટણી સંદર્ભે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. ત્યારે સમય અને પરિસ્થિતિ મુજબ લીગલ સેલ ઉપરાંત લીગલ સેલમાં ન હોય તેવા વકીલોની પસંદગી કરવા વિકલ્પ ખુલો રાખીને સમરસ પેનલના નામે ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે તેવું પણ ભાજપ લીગલ સેલના વર્તુળોમાંથી જાણવા મળેલ છે.
બાર એસોસિયેશનની ચૂંટણી પૂર્વે શહેર ભાજપ લીગલ સેલના હાલના માળખામા ફેરફાર થવાની સંભાવના થઈ રહ્યાની આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે સામા પક્ષે પણ મોટા માથાને મેદાનમાં ઉતારે તેવી સંભાવના જોવાઈ રહી છે. ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલને મેદાનમાં ઉતારવી કે સ્વતંત્ર રીતે લડવું તે તો પ્રદેશ ભાજપ જ આ અંગે આખરી નિર્ણય કરશે તેમ આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.
સુમિત વોરાએ પ્રમુખ પદ ચૂંટણી લડવાની કરી ઘોષણા
રાજકોટ બાર એસો.ની ચૂંટણી રાજ્યભરના વકીલ આલમમાં ચર્ચામાં રહે છે. ત્યારે રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજકોટ બાર એશો.ના ઉપ પ્રમુખ સુમિત વોરાએ એક પેનલમાંથી પ્રમુખ પદ ઉપર ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી છે. એડવોકેટ સુમિત વોરાને પ્રમુખ પદના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેમના સમર્થક વકીલોએ પ્રચાર પણ શરૂૂ કરી દીધો છે. રાજકોટ બાર એશો.ની ગત ચૂંટણીમાં એડવોકેટ સુમિત વોરાએ સમરસ પેનલમાંથી ઉપપ્રમુખ પદે ઉમેદવારી કરી હતી. તેમણે તમામ હોદ્દેદારોમાં સૌથી વધુ મત મેળવી જંગી લીડથી જીત મેળવી હતી.