રોડ-રસ્તાને લઈ ભાજપ આગેવાનનું ઉપવાસ આંદોલન
ખરાબ રસ્તા મુદ્દે ભાજપ-કોંગ્રેસ રાજકારણ ફરી રહ્યાનો નરેન્દ્રસિંહ રાઠોડનો આક્ષેપ
ગુજરાતભરમાં એક જ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે રાજકારણીઓ હોય કે પ્રજા ફક્તને ફક્ત તુટેલા રોડ રસ્તા અને ખાડાઓ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. જેમાં તમામ રાજકીય પક્ષો રોટલો સેવકાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની સામે પ્રજાના કામો ન થતાં ઠેર ઠેર આંદોલનો અને ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શાસકપક્ષનું પણ કંઈ ઉપજતુ નથી તેવા આક્ષેપ સાથે કણકોટ વિસ્તારના ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ રાઠોડે તુટેલા રોડ રસ્તા મુદ્દે આજે ઉપવાસ આંદોલન પર ઉતરી જતાં ભાજપમાં ધમાસાણ બોલી ગયું છે.
શહેરમાં તુટેલા રોડ રસ્તા મુદ્દે છેલ્લા ઘણા સમયથી મોટાભાગના વિસ્તારોમાંથી ફરિયાદો ઉઠી રહી છે. આમ તો ગુજરાતભરમાં આ મુદ્દે ભારે આક્રોશ શરૂ થતાં સરકારે ત્વરિત પગલા લેવાનો તંત્રને આદેશ આપ્યો છે. જેના પગલે વરસતા વરસાદે અને રાત્રીના સમયે પણ ભાજપના આગેવાનો અધિકારીઓને સાથે રાખી રોડ રસ્તા રિપેર કરતા હોવાના ફોટા પડાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. તેવી જ રીતે અન્ય રાજકીય પક્ષો પણ સરકારને ભીંસમાં લેવા માટે રોડ રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શનો યોજી રહ્યા છે.
જેની અસર રાજકોટ સહિતના મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને પણ મહદઅંશે થઈ હોય તેમ આજે શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે છતાં છેવાડાના વિસ્તારોમાં નર્કગાર સ્થિતિમાં જીવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ મુદ્દે કણકોટ વિસ્તારના એક ભાજપ આગેવાન નરેન્દ્રસિંહ રાઠોડે પોતાની સરકાર હોવા છતાં લોકોના કામ કરતા ન હોવાનું તેમજ ભાજપ અને કોંગ્રેસ ખરાબ રસ્તા મુદ્દે રાજકારણ ખેલી રહ્યાના આક્ષેપો કરી આજે ભુખ હડતાળ ઉપર ઉતરી ગયા હતાં અને જણાવેલ કે, છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનનું સુકાન સંભાળનાર ભાજપ આગેવાન લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે હું ભાજપ આગેવાન હોવાથી લોકો મારી પાસે પણ રજૂઆત કરી ફરિયાદો કરી રહ્યા છે તેથી ભાજપના શાસનમાં જ ભાજપના આગેવાનોના કામો ન થતાં હોય તો મારે પણ હવે વિરોધ કરવો પડે તેવું લાગતા હું ખાસ કરીને કણકોટ વિસ્તારના રોડ રસ્તા મુદ્દે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યો છું અને કદાચ મનપાના પદાધિકારીઓની આંખ ઉઘડે અને લોકોનો પ્રશ્ર્ન હલ થાય તેવા પ્રયત્ન કરી રહ્યો છું તેમ જણાવ્યું હતું.