‘ભાજપ હમ સે ડરતી હૈ’, પુલિસ કો આગે કરતી હૈ; જેલ બહાર "આપ”નું ધમાસાણ
કેજરીવાલને રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા ન દેવાયા, હોટલ બહાર ચુસ્ત બંદોબસ્ત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટીના નેતાઓને મળવા દેવામાં આવ્યા નથી. જેલ પ્રશાસને મળવાની મંજૂરી ન આપતાં અરવિંદ કેજરીવાલે X પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યો છે. આ ઘટનાએ રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. AAP કાર્યકર્તાઓએ હાલ જેલની બહાર "ભાજપ હમ સે ડરતી હૈ" નારેબાજી કરી હતી.
કેજરીવાલે ગઈકાલે જ જેલ પ્રશાસન પાસે મુલાકાતની પરવાનગી માંગી હતી, પરંતુ આજે સુધી મંજૂરી ન મળતાં જેલની બહાર AAP કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. હાલ, જેલની એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી છે. હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં હડદડ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા AAP નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત કુલ 28 ખેડૂતો બંધ છે. કેજરીવાલ તેમને મળવા માટે જ આવ્યા હતા.
રાજકોટમાં આયોજિત પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "ગુજરાતની ભાજપ સરકાર તાનાશાહીનું જીવંત ઉદાહરણ છે. મને જેલમાં બંધ ગુજરાતના જ ખેડૂતો અને પાર્ટીના નેતાઓને મળવા જવા દેવામાં આવ્યો નથી. હું શું આતંકવાદી છું? કેમ મને મળવા જવા ન દેવામાં આવ્યો?" કેજરીવાલે આગળ જણાવ્યું કે, "આ ખેડૂતો ગુજરાતના જ છે, જેમણે પોતાના હક માટે આંદોલન કર્યું છે, અને તેમને મળવા જવું એ મારો અધિકાર છે, પરંતુ સરકારે તે પણ છીનવી લીધો છે." આ નિવેદનથી રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.
લોકસભામાં વંદે માતરમ ગીત પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ દેશમાં ઘણી મોટી સમસ્યાઓ છે જેના પર વાત થવી જોઈએ, જેમ કે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રદ્દને કારણે થયેલો હોબાળો, જ્યાં હજારો મુસાફરો અટવાયા છે અને સરકાર ઘૂંટણીએ પડી છે. આ 21મી સદીના ભારતમાં એરલાઈન્સનો હોબાળો આખુ વિશ્વ જુએ છે. આ ઉપરાંત, ગોવામાં ક્લબમાં 25 લોકોના મોત થયા અને માલિક દેશ છોડીને ભાગી ગયા, જેમાં ભાજપ સરકાર સાથે જોડાયેલા લોકો ગમે ત્યારે દેશથી નાસી જાય છે, સરકારની મદદથી જ આ શક્ય બને છે અને પછી માત્ર નોટિસો કાઢીને બચાવ કરવાનો પ્રયાસ થાય છે. ગુજરાતમાં દારૂૂબંધીના મુદ્દે પ્રશ્ન પૂછતા સરકાર કહે છે કે ’શું તમે પણ માનો છો કે ગુજરાત સરકાર નિક્કમી છે?’ આ બધું જોઈને સ્પષ્ટ થાય છે કે, સરકાર વિકાસની વાતો કરે છે પણ વાસ્તવિક સમસ્યાઓને અવગણે છે.
ગુજરાતની ભાજપ સરકાર પર આકરો પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે, "અંગ્રેજોના સમયમાં ભગતસિંહ જેલમાં હતા ત્યારે પણ તેમના સાથીદારોને મળવા દેવામાં આવતા હતા, પરંતુ ગુજરાતમાં ભાજપ સરકાર અંગ્રેજો કરતાં પણ વધુ તાનાશાહી બની ગઈ છે. મને મારા જ ગુજરાતના ખેડૂતોને જેલમાં મળવા નથી દેવામાં આવી રહ્યો." કેજરીવાલે આ નિવેદનથી ભાજપ સરકારને સીધી રીતે અંગ્રેજી શાસન સાથે સરખાવીને મોટો રાજકીય વિવાદ ઊભો કરી દીધો છે. તેમણે જણાવ્યું કે, "ગુજરાતમાં કડદા પ્રથાનો ખેડૂતોએ શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો, પરંતુ પોલીસે લાઠીચાર્જ કર્યો અને પછી ઘર્ષણ થયું. 88 ખેડૂતોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, જેમાંથી માત્ર 42ને જ જામીન મળ્યા. બાકીના 46 હજુ જેલમાં છે. જે ખેડૂતોને જામીન મળ્યા, તેમની સુનાવણીમાં પોલીસ કોર્ટમાં હાજર જ ન રહી એનો અર્થ એ થયો કે પોલીસને પણ ખબર છે કે આ કેસમાં કોઈ તથ્ય નથી." કેજરીવાલે વધુમાં કહ્યું કે, "ખેડૂતો અને તેમના પરિવારજનોએ મને કહ્યું કે, જેલમાં પ્રથમ 24 કલાક તો પીવાનું પાણી પણ આપવામાં આવ્યું ન હતું. આ ગુજરાતના ખેડૂતો સાથેનું વર્તન નહીં, ગુજરાતના ખેડૂતો સાથેનો અન્યાય છે."
આ પેપર લીક કોણ કરાવે છે?
પેપર લીક કૌભાંડ પર પણ ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, "ગુજરાતમાં ખેડૂતોના અને સામાન્ય લોકોના બાળકો જ્યારે ભરતીની પરીક્ષા આપવા જાય છે ત્યારે પેપર લીક થાય છે. આ પેપર લીક કોણ કરાવે છે? આ જ લોકોના માણસો કરાવે છે. બાળકો આંદોલન કરે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરે છે. આંદોલન રોકવા માટે ગુજરાતમાં ડ્રગ્સ વેચવા દેવામાં આવે છે, જેથી યુવાનો ડ્રગ્સની આદતમાં ફસી જાય અને આંદોલન કરવા ન નીકળે."
હોટલ આસપાસ નાકાબંધી કરવામાં આવી : ઈટાલિયા
ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના પૂરતા ભાવ ન આપી લૂંટ ચલાવવામાં આવતી હતી. જે મામલે કિસાન પંચાયત હતી. જોકે તેમાં ખેડૂતો અને AAPના નેતાઓની ધરપકડ કરવામાં આવી. જે બાદ રાજકોટ આવેલા અરવિંદ કેજરીવાલે જેલમાં પુરાયેલા કેદીઓને મળવા માટે પોલીસ પાસે પરમિશન માગવામાં આવી પરંતુ અત્યારસુધી પોલીસે મંજૂરી આપી નથી અને અહીં ફોર્ચ્યુંન હોટલ આસપાસ નાકાબંધી કરવામાં આવી છે અને પોલીસે પરમિશન આપી નથી.