For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિસાવદર જીતવા ભાજપ ફુલ એક્શનમાં, નેતાઓની ફોજ ઉતારી

06:24 PM Jun 12, 2025 IST | Bhumika
વિસાવદર જીતવા ભાજપ ફુલ એક્શનમાં  નેતાઓની ફોજ ઉતારી

મુખ્યમંત્રી-પાટીલ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ત્રણ દિવસનો મુકામ, સંતો-આગેવાનો સાથે બેઠક યોજી

Advertisement

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે ત્યારે ભાજપે આ બેઠક જીતવા માટે તમામ તાકાત કામે લગાડી દીધી છે. અગાઉ બે ટર્મ કોંગ્રેસની અને ત્યારબાદ આમ આદમી પાર્ટીએ જીતેલી આ બેઠક જીતવા ભાજપે નેતાઓ - કાર્યકરોની મોટી ફોજ ઉતારી છે.
લેઉવા પટેલ મતદારોની બહુમતીવાળી આ બેઠક ઉપર ભાજપનાં કિરિટ પટેલ, આપના આખાબોલા ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસનાં નીતિન રાણપરીયા ચૂંટણી લડી રહયા છે ત્યારે આમ આદમી પાર્ટીને ફરી આ બેઠક જીતતી અટકાવવા ભાજપે જબરી ફોજ ઉતારી છે.

ઉમેદવારી પત્રક ભરવા સમયે ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ શો યોજયા બાદ ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ પ્રચારમા ઉતર્યા હતા અને હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિસાવદરમા ત્રણ દિવસનો કેમ્પ કર્યો છે.

Advertisement

આ સિવાય ભાજપનાં કેબીનેટ મંત્રીઓ, ધારાસભ્યો, પ્રદેશ નેતાઓ, શહેર-જિલ્લાનાં પ્રમુખોને પણ ચૂંટણી પ્રચારમા ઉતારી દેવામા આવ્યા છે. વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. આ રાજકીય ઉત્તેજના વચ્ચે ગઇકાલે બપોરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢ પહોંચ્યા હતા. તેમની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

જૂનાગઢ પહોંચતાની સાથે જ હર્ષ સંઘવીએ સૌપ્રથમ સંતો-મહંતો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ચાંપરડાના મુક્તાનંદ બાપુ, જૂનાગઢના શેરનાથ બાપુ, સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ સહિત અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંતો સાથેની બેઠક બાદ ગૃહમંત્રીએ પૂર્વ સરપંચો તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. હર્ષ સંઘવી ત્રણ દિવસ માટે વિસાવદરના પ્રવાસે છે, જે દર્શાવે છે કે ભાજપ આ પેટાચૂંટણીને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે.

સંતો સાથેની બેઠક બાદ હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, વર્ષોથી મારો જ્યારે પણ વિસાવદરનો પ્રવાસ હોય છે, ત્યારે હું પહેલા જૂનાગઢના સંતોની મુલાકાત કરું છું અને ત્યારબાદ વિસાવદરની મુલાકાત લઉં છું. આજે સંતો સાથે ભોજનનો લાભ લીધો છે. ખાસ કરીને વિસાવદરની પેટાચૂંટણી આવી રહી છે, જેને લઈને કાર્યકર્તાઓ તેમજ સરપંચો અને પૂર્વ સરપંચો સાથે ચર્ચા કરવામાં આવી છે.

પ્રચારનો ઓવરડોઝ, મતદારોનો મૂડ ફેરવશે ?
વિસાવદર ધારાસભા મત વિસ્તારમા 18 વર્ષનો વનવાસ ખતમ કરવા એડી-ચોટીનુ જોર લગાવી દીધુ છે. ભાજપ-કોંગ્રેસ અને આપનાં નેતાઓ-કાર્યકરો વિસાવદરનાં ગ્રામ્ય વિસ્તારની શેરીએ - શેરીએ ફરી રહયા હોવાથી પ્રચારનો ઓવરડોઝ થઇ રહયો છે. આ પહેલા જીપીપીમાથી સ્વ. કેશુભાઇ પટેલ અહીં ચૂંટણી લડયા તેના કરતા પણ અત્યારનો માહોલ વધુ ગરમ છે. મતદારોએ કયારેય જોયા ન હોય તેવા નેતાઓ વાયદા આપી રહયા છે પરિણામે મતદારો પણ મુંજાયા છે. મોટી સંખ્યામા નેતાઓ ઉતરી પડયા હોવાથી પ્રચારના ઓવરડોઝના કારણે મતદારોમા નકારાત્મકતા ફેલાય તેવી પણ શકયતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement