ભાજપે વધુ એક ચાબુક વીંઝી, લાઠીના પૂર્વ નગરસેવક સહિત ત્રણ સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે ભાજપે શિસ્તનો કોરડો વિંઝવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલા 65 જેટલા આગેવાનો- કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે અમરેલી જિલ્લાના ત્રણ આગેવાનોને પણ પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમરેલીમાં કાર્યવાહી કરતાં ભાજપ પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ યુવા ઉપપ્રમુખ લાઠી હિરેનભાઈ પાડા, લાઠીના પૂર્વનગર સેવક કલ્પેશભાઈ મેતલીયા અને સક્રિય કાર્યકર હરેશભાઇ ગોહિલને પાર્ટી વિરુદ્ધ ઉમેદવારી અને પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયાએ લેટર લખીને સસ્પેન્ડ ઓર્ડર કર્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાં જ અનેક નારાજ નેતાઓ પાર્ટી વિરુદ્ધ કાર્ય કરતાં ઝડપાયા છે. અમરેલી જીલ્લામાં ભાજપના 3 હોદ્દેદારોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટીકીટ ન મળતા નારાજ જોવા મળ્યા હતા, જેથી તેઓએ અથવા પરિવારજનોએ અન્ય પક્ષ અથવા અપક્ષમાંથી ઉમેદવારી કરાવી હતી.