ગુજરાતમાં રાજકીય બિરિયાની પકાવવા ઓવૈસીનું આગમન, બે બેઠક પર લડશે
- ગાંધીનગર અને ભરૂચમાં ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત
ગુજરાતમાં લોકસભાની આગામી તા. 7મેના રોજ યોજાનાર ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ જામે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે અસદુદીન ઓવૈસીની પાર્ટીએ આઈએમ આઈ એમ પણ રાજકીય બિરીયાની પકાવવા ગાંધીનગર અને ભરૂચમાં ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરવામાં આવતા ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાની બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી ભરૂૂચ અને ગાંધીનગર લોકસભા સીટ પર મેદાનમાં ઉતરશે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ચૂંટણી જંગમાં વધુ એક પાર્ટીએ ઉતરવાની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે.
ગાંધીનગર લોકસભા સીટથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડવાના છે. તે વર્તમાનમાં આ સીટ પરથી સાંસદ પણ છે. તો કોંગ્રેસ પાર્ટીએ અહીં સોનલ પટેલને ટિકિટ આપી છે. હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ગાંધીનગરથી ચૂંટણી લડશે. એટલે કે હવે અહીં ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે.
કોંગ્રેસ સાથે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ભરૂૂચ અને ભાવનગર લોકસભા સીટથી ચૂંટણી લડવાની છે. ભરૂૂચ સીટથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા મેદાનમાં છે. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી છે. હવે આ સીટ પર એઆઈએમઆઈએમની એન્ટ્રી થતાં અહીં પણ ત્રિકોણીય જંગ જોવા મળશે.