બાયો વેસ્ટ, DEIC, નર્સિંગ હોસ્ટેલ તોડી બનાવાશે મેડિકલ કોલેજ
આરોગ્ય વિભાગના PIUના અધિકારીઓ, સિવિલ સર્જન સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું : અંદાજે ચાર મહિનામાં તોડી પાડવાની કામગીરી શરૂ કરાશે
રાજકોટ સરકારી મેડીકલ કોલેજમાં સીટોમાં વધારો થયો છે. જેથી વિદ્યાર્થીઓની સુવિધા વધારવા માટે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા કેટલાક ભવનો તોડી તેના સ્થાને મેડીકલ કોલેજનું બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેના માટેની હાલ સિવિલના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કેટલાક બિલ્ડીંગોનું સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ એજ્યુકેશનનું હબ બનતું જાય છે. તેમાં મેડીકલ ફિલ્ડનો પણ સમાવેશ થઈ રહ્યો છે. રાજકોટ મેડીકલ કોલેજમાં પહેલા 50 સીટો હતી. હવે તેમાં વધારો થયો છે અને 250 સીટો મેડીકલ કોલેજને ફાળવામાં આવી હોવાથી વિદદ્યાર્થીઓનો વધારો થયો છે. આ વિદ્યાર્થીઓને સારી સુવિધા મળી રહે તે માટે આરોગ્ય વિભાગ અને સિવિલના સત્તાધીશોએ કમર કસી છે. અને નવી મેડીકલ કોલેજનું બિલ્ડીંગ બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સિવિલના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સિવિલના પટાંગણમાં આવેલ ડીઈઆઈસી, બાયોવેસ્ટ વિભાગ, નર્સિંગ હોસ્ટેલ અને કેટરીક ચિલ્ડ્રન હોસ્પિટલના બિલ્ડીંગનું સિવિલ સર્જન, આરોગ્ય વિભાગના બાંધકામ શાખાના પીઆઈયુના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે પંચરોજ કામ કરવામાં આવ્યું હતું અને આ તમામ સ્થળનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ આ બિલ્ડીંગો તોડી પાડવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી ચાર મહિનામાં આ તમામ બિલ્ડીંગો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યાર બાદ બાંધકામ સહિતની ડિઝાઈન ફાઈનલ કરી અને નવું બાંધકામ શરૂ કરવામાં આવશે. આ અંગે પીઆઈયુના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ તમામ બિલ્ડીંગો તોડી અને ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત અંદાજે પાંચ માળનું બિલ્ડીંગ બનાવવામાં આવશે. આ બિલ્ડીંગમાં સિવિલ અધિક્ષક, ડિન સહિતની ચેમ્બરોનો સમાવેશ કરવામાં આવશે. આ બિલ્ડીંગના ખર્ચનો અંદાજ આગામી દિવસમાં મળનારી બેઠકોમાં રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ આગળની પ્રક્રિયા શરૂ કરાશે.