ખંભાળિયા નજીક મોટરકાર સાથે અથડાતાં બાઈકચાલકનું મોત
ખંભાળિયા તાલુકાના સામોર ગામના વાડી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ કરસનભાઈ ગોજીયા નામના 26 વર્ષના યુવાન ગઈકાલે બુધવારે બપોરના આશરે 1 વાગ્યાના સમયે તેમની જી.જે. 05 સી.ડી. 7183 નંબરની મારુતિ સુઝુકી મોટરકારમાં તેમના પિતરાઈ ભાઈ સંદીપભાઈને સાથે લઈને ઘરે જમવા જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 15 કી.મી. દૂર હંસ્થળ ગામના પાટીયા નજીક પહોંચતા માર્ગમાં આવેલા એક સ્પીડ બ્રેકરના કારણે તેમણે પોતાની કારને બ્રેક મારી હતી. જેના કારણે તેમની કારની પાછળ આવી રહેલી સુઝુકી મોટરસાયકલ નંબર જી.જે. 10 ડી.એસ. 4866 ના ચાલકે પાછળથી ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ ટક્કરથી બાઈક ચાલક અબ્દુલભાઈ ગુલામભાઈ શેખ (રહે. દ્વારકા) ને શરીરને જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે જગદીશભાઈ કરસનભાઈ ગોજીયાની ફરિયાદ પરથી મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઝેરી ટીકડા ખાઈ આપઘાત
કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ટંકારીયા ગામે રહેતા મણીબેન ભરતભાઈ કાગડીયા નામના 27 વર્ષના પરિણીત મહિલાને છેલ્લા કેટલાક સમયથી માથાનો દુખાવો રહેતો હોય, જેનાથી કંટાળીને ગત તારીખ 13 ના રોજ તેમણે પોતાના હાથે ઘરમાં રહેલા અનાજમાં મૂકવાના ટીકડા ગળી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ ભરતભાઈ જીવાભાઈ કાગડીયા (ઉ.વ. 38) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
ડૂબી જતાં મોત
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રહીશ વાહજીભાઈ બાજુજી ધોરી નામના 45 વર્ષના ઠાકોર યુવાન મંગળવાર તારીખ 13 ના રોજ ઓખા નજીકના દરિયા કિનારેથી કોઈ કારણોસર દરિયાના પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે ઓખા મરીન પોલીસને જાણ કરાઈ છે.