પોરબંદરના ભારવાડા પાસે બોલેરો અડફેટે ઘવાયેલા બાઈકચાલકનું મોત
પોરબંદરના નટવરનગરમાં રહેતાં પ્રૌઢ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ ભારવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા બોલેરો ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોરબંદરના નટવરનગરમાં રહેતાં ગણેશભાઈ કુંભલાભાઈ પંચોલી (ઉ.45) બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ ભારવાડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા બોલેરોના ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક પ્રૌઢ મુળ મધ્યપ્રદેશના વતની હતાં અને તેમને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં શાપર-વેરાવળમાં આવેલ શાંતિધામ ગેઈટ પાસે રહેતી પીન્ટુબેન મયુરભાઈ થોરીયા નામની 18 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.