બાબરામાં એમ્બ્યુલન્સ અડફેટે બાઈક સવાર દંપતી ખંડિત: પતિનું મોત
બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતું દંપતી બાબરા ગામે દવા લેવા માટે આવ્યું હતું અને દવા લઈને પરત ફરી રહ્યું હતું ત્યારે એમ્બ્યુલન્સના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક સવાર પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાના કરિયાણા ગામે રહેતા મનોજભાઈ વશરામભાઈ મકવાણા (ઉ.વ.40) અને તેની પત્ની રેખાબેન મનોજભાઈ મકવાણા (ઉં.વ.38) બાઈક લઈ બાબરા માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહ્ય હતા. ત્યારે એમ્બ્યુલન્સના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા દંપતી ફંગોળાયું હતું. ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા દંપતીને તાત્કાલિક સારવાર માટે બાબરા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા મનોજભાઈ મકવાણાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પતિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનોજભાઈ મકવાણા એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. મનોજભાઈ મકવાણા બીમાર હોવાથી પત્નીને લઈને બાબરા દવા લેવા ગયો હતો અને દવા લઈને પરત ફરતી વખતે કાળ બનીને ત્રાટકેલી એમ્બ્યુલન્સની ઠોકરે મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બાબરા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.