મેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજા
શહેરની ભાગોળે આવેલા લોધીકાના મેટોડામા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા બે શ્રમીક યુવકોને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નિવડે તે પુર્વે જ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા શ્રમીક પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાના મેટોડામા રહેતા અને મજુરી કામ કરતા શ્રીપાલ ખીમચંદ્ર કોડીવાર નામનો 18 વર્ષનો શ્રમીક યુવાન પોતાના કૌટુંબીક ભાઇ પંકજને બાઇક પાછળ બેસાડી મેટોડામા જઇ રહયા હતા ત્યારે બાઇક અચાનક ઝાડ સાથે ધડાકા ભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રીપાલ કોડીવારને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયારે કૌટુંબિક ભાઇ પંકજને સામાન્ય ઇજા પહોંચી હતી.
ગંભીર રીતે ઘવાયેલા શ્રીપાલ કોડીવારની સારવાર કારગત નીવડે તે પુર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા શ્રમીક પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી યુવકના મૃતદેહને પીએમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો. પ્રાથમિક પુછપરછમા મૃતક શ્રીપાલ કોડીવાર મુળ રાજસ્થાનનો વતની હતો. મૃતક યુવાન બે ભાઇ અને બે બહેનમા નાનો હતો.
મૃતક શ્રીપાલ કોડીવાર પોતાના કૌટુંબીક સગીર ભાઇ પંકજને બાઇક પાછળ બેસાડી દુધ લેવા જતો હતો ત્યારે ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક લીમડાના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અકસ્માતની ઘટના અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.