પશુપાલકો માટે મોટા સમાચાર!! સાબરડેરીએ વાર્ષિક ભાવફેરમાં વધારો કર્યો, જાણો પ્રતિ કિલો ફેટ કેટલા વધારે મળશે
સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના પશુપાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિરોધના પાંચમા દિવસે ભાવફેરને લઈને સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 995 રૂપિયા ચૂકવાશે. અગાઉ પશુપાલકોને ₹960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો. હવે બાકીના ₹35નો તફાવત સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે, પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે.
સાબર ડેરીના નિયામક મંડળની મહત્ત્વની બેઠક મળી હતી. બેઠકમાં ચેરમેન, વાઈસ-ચેરમેન અને નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાવફેર અંગે નિર્ણય લેવાયો છે.
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવાના મામલે મોટી સંખ્યામાં પશુપાલકોએ ડેરી સામે દેખાવો કર્યો હતો. પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ પણ થઇ હતી. જેમાં પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરાતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધમાં નામજોગ અને 1 હજાર ટોળા સામે FIR નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે 47 શખ્સોની અટકાયત કરાઈ હતી.