ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર કરોડના રાહત પેકેજની કરી જાહેરાત
કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે હવે ખેડૂતોને રાહત આપી છે,રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લીધો છે. ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આ મહિતી શેર કરી છે.
ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે, 'ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.'
CM ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રી ચર્ચા કરી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પ પોસ્ટ કરી માહિતી આપીને પાક નુકસાની માટે 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે.
