ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવતા ભૂપેન્દ્ર પટેલ
તમામ કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી વિગતો મેળવી, મુખ્યમંત્રીએ નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. મુખ્યમંત્રીએ સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મ્યુન્સિપલ કમશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ. તેમજ નદી, નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ ક્રોસ ના કરે અને તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી રાખવી. તેમજ જરૂૂર જણાય તો પોલીસની મદદથી લોકોને અટકાવવા જરૂૂરી છે. મુખ્યમંત્રીએ કલેક્ટરઓને પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી. તેમજ NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી.