ભાવનગરની વડાપ્રધાનની સભાએ બે મંત્રી પદ અપાવ્યા
મંત્રી મંડળમાં પરસોત્તમ સોલંકી રીપીટ અને જીતુ વાઘાણીની રી-એન્ટ્રી
ગુજરાતના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રમાંથી ભાવનગર જિલ્લાના બે ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેની પાછળ એવું કહેવાઈ રહ્યું છે કે થોડા સમય પહેલા વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે આવ્યા હતાં ત્યારે ત્યાંની સભાથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતાં. જેના ભાગરૂપે આ બન્નેનો સમાવેશ મંત્રી મંડળમાં થયો છે. રાજ્યના નવા મંત્રી મંડળમાં ભાવનગરના બે ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવ્યું છે. જેમાં જૂના મંત્રી મંડળના પરસોત્તમ સોલંકીને રીપીટ કરવામાં આવ્યા છે.
જ્યારે પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ, પાટીદાર આગેવાન જીતુ વાઘાણીની રી એન્ટ્રી કરવામાં આવી છે. આ બન્ને નેતાઓએ થોડા સમય પહેલા ભાવનગરની વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કાબીલેદાદ કામગીરી કરી હતી. વડાપ્રધાન સભામાં જંગી જનમેદની એકઠી કરી હતી તેમજ કોળી સમાજમાં પરસોત્તમ સોલંકીનું પ્રભુત્વ પણ જોવા મળે છે. સામે પાટીદાર અને ખાસ કરીને લેઉઆ પટેલ સમાજમાં જીતુ વાઘાણી કદાવર નેતા તરીકે જાણીતા છે. જેથી તેમની મંત્રી મંડળમાં પસંદગી થઈ હોવાનું મનાઈ રહ્યું છે.