ઘોઘાના દરિયામાં ડૂબી જતાં ભાવનગરના યુવાનનું મોત
ભાવનગર નજીકના ગોઘા દરિયામાં અકસ્માતે ડુબી જતાં ભાવનગર સહેસના બોરતળાવ ધોબી સોસાયટીમાં રહેતા 18 વર્ષીય મુસ્લિમ યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં અને આ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
બનાવની જાણ થતાં મરીન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મરણ જનાર મૃત દેહને ઘોઘા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં મરણ જનારનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ભાવનગર શહેરના બોરતળાવ ધોબી સોસાયટી ચાંદ મસ્જીદ પાસે રહેતા મોહીયુદ્દીન મેહેબુબભાઈ ઉર્ફે રફીકભાઈ મોગલ (ઉ.વ.18) નામનો યુવાન આજરોજ રવિવારે ભાવનગર નજીકના ઘોઘા દરિયા પાસે દર વર્ષની પરંપરા મુજબ રક્ષા બંધન બળેવના તહેવાર નિમિત્તેદરિયા નજીકમાં જે લોક મેળો ભરાય છે તેમાં મરણ જનાર તેના મિત્રો સાથે ચકડોળ ફીટ કરવા માટે આવેલો હતો તે વેળાએ દરિયા નજીકમાં હાથ અને પગ ધોવા માટે જતાં અને અકસ્માતે દરિયાના ઉંડા પાણીમાં ડુબી જતાં આ યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવની ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે.