ભાવનગર રેલવે સુરક્ષા બળ વિવિધ ઓપરેશનથી મુસાફરોની સુરક્ષામાં સફળ
‘સેવા જ સંકલ્પ’: ભાવનગર મંડળના વેરાવળ સહીતના આરપીએફ એક નવું ઉદાહરણ પૂરું પાડી વર્ષ 2025 માં મુસાફરોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જનજાગૃતિ અભિયાન માં નોંધપાત્ર સફળતા ઓ મળે છે.
પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ) એ વર્ષ 2025 માં જાન્યુઆરી થી ઓગસ્ટ મહિના દરમિયાન સેવા જ સંકલ્પ અભિયાન અંતર્ગત મુસાફરોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જન જાગૃતિ ને સર્વોપરી રાખતાં ઉત્કૃષ્ટ સિદ્ધિ ઓ હાંસલ કરી છે. આઈ.જી.-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્ત અજય સદાની ના કુશળ નેતૃત્વ અને મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આરપીએફ ભાવનગર મંડળે રેલવે પરિસરની સુરક્ષા અને રેલ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
જેમાં જાન્યુઆરી થી ઓગસ્ટ 2025 દરમિયાનની મુખ્ય સિદ્ધિઓમાં (1) ઓપરેશન અમાનત: મુસાફરી દરમિયાન છૂટી ગયેલા મુસાફરોના 140 કિંમતી સામાન (કિંમત ₹18,94,694/-) સુરક્ષિત પરત અપાવ્યા હતા. (2) ઓપરેશન નન્હે ફરિશ્તે: ઘરેથી ભાગી ગયેલા 19 નાબાલિગ બાળકોને સલામત રીતે પરિવાર સાથે મિલાવ્યા હતા. (3) ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિની ચોરીના કેસોમાં 35 આરોપીઓને પકડી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. (4) ઓપરેશન સમય પાલન: સવારી ગાડીઓમાં ચેન ખેંચીને અવરજવર ખોરવી નાખનારા ઓ સામે કડક કાર્યવાહી કરતાં 123 કેસોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. (5) ઓપરેશન જનજાગરણ: સ્ટેશનો, ગામો અને રેલવે ડિસ્પ્લે નેટવર્ક દ્વારા મુસાફરોને મહિલા સુરક્ષા, નશામુક્તિ, માનવ તસ્કરી તથા રેલવે સંપત્તિ સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આરપીએફ ભાવનગર મંડળે પોતાની સતર્કતા, સમર્પણ અને કુશળતા દ્વારા સાબિત કર્યું છે કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સેવા જ સંકલ્પ અંતર્ગત કરાયેલા આ પ્રયત્નો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.