ભાવનગર મનપાએ છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં બીજો ક્રમ મેળવ્યો
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જલ શકિત વિભાગ દ્વારા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભારતમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમવાર બીજો ક્રમ મેળવ્યો છે.
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જલ શક્તિ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભાગ લેવા માટે આ વર્ષના શરૂૂઆતમાં જાહેરાત કરી હતી, જેમાં ભાવનગર મહાનગરપાલિકાએ નોમિનેશન નોંધાવ્યુ હતુ, જેનું સરકાર દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં બેસ્ટ યુએલબી (અર્બન લોકલ બોડી એટલે કે મહાનગરપાલિકા) કેટેગરીમાં ભાવનગર મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતમાંથી એવોર્ડ મેળવનાર એકમાત્ર મહાનગરપાલિકા ભાવનગર મહાનગરપાલિકા છે.
છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં દેશની ઘણી મહાનગરપાલિકાએ ભાગ લીધો હતો અને શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાને લગતા વિવિધ પેરામીટર્સનો મીનીસ્ટ્રી દ્વારા ડેટા મેળવવામાં આવ્યો હતો અને તેના આધારે કેન્દ્રીય ટીમ દ્વારા ગત જુન-2025 દરમિયાન વિઝીટ કરી તમામ સુવિધાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા પ્રથમવાર મેળવેલ છે અને દેશના રાષ્ટ્રપતિના હસ્તે આગામી તા. 18 નવેમ્બરના રોજ નવી દિલ્લી ખાતે ભાવનગર મહાનગરપાલિકાને એવોર્ડ અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમવાર આ એવોર્ડ મળતા મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારી-કર્મચારીઓમાં આનંદની લાગણી ફરી વળી છે.