કાલાવડના રણુજામા ધૂમ મચાવશે ભાતીગળ લોકમેળો
નવા રણુજામાં 12મીથી 3 દિવસ માટે યોજાનારા લોકમેળા માટે ધંધાર્થીઓએ 6 સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ જમા કરાવવાની રહેશે
આ વર્ષે ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટના લોકમેળાઓ જન્માષ્ટમી પર્વ પર મોકૂફ રહ્યા હતાં, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના લાખો લોકો મેળા માણવાની મોજથી વંચિત રહ્યા હોય, જેને કારણે વિવિધ ગ્રામ્ય વિસ્તારોના લોકમેળાઓ અંગે લોકોમાં ભારે ઉતેજનાઓ જોવા મળી રહી છે.
આગામી ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસના 3 દિવસ માટે તા. 12 થી 14 દરમિયાન, કાલાવડ તાલુકાના વોડીસાંગ દેવપુર ગામે નવા રણુંજાના લોકમેળાઓ યોજાનાર હોય, અત્યારથી સમગ્ર કાલાવડ તાલુકામાં આ લોકમેળાઓને લઈ લોકોમાં અને ધંધાર્થીઓમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. જે ધંધાર્થીઓ આ લોકમેળાઓમાં ધંધો કરવા ઈચ્છતા હોય તેઓ પાસેથી તા. 6 સપ્ટેમ્બર સુધીમાં વોડીસાંગ દેવપુર ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
આ લોકમેળાઓ માટે જે અરજદાર ધંધો કરવા ઈચ્છતા હોય તેઓ જ અરજી કરી શકશે, લોકમેળાઓમાં પોતાને મળેલી જગ્યાઓ અન્ય ધંધાર્થીઓને આપી શકશે નહીં. આ જગ્યાઓ માટેની હરરાજી તથા ડ્રો તા. 8મી એ મામલતદાર કચેરીએ મીટિંગ હોલમાં સવારે અગિયાર વાગ્યે યોજાવાની છે. જગ્યાઓ માટેના અરજી ફોર્મ સાથે ધંધાર્થીઓએ વિવિધ લાયસન્સ માટેની અરજીઓ અલગથી કરવાની રહેશે. આ લોકમેળાઓના પાર્કિંગ પ્લોટ અને યાંત્રિક પ્લોટ વગેરેના ભાડાં પેટે પંચાયતને સારી એવી રકમ મળશે એમ માનવામાં આવે છે કારણ કે, વિવિધ પ્લોટસના ભાડાંની અપસેટ પ્રાઈઝ સારી એવી રાખવામાં આવી હોવાનું આ માટેની જાહેરાત પરથી દેખાઈ રહ્યું છે.