ભરૂચની ધારા ડેરીના રાજકારણમાં ભડકો, જિલ્લા ભાજપ પ્રમુખ સામે સાંસદનો લેટર બોંબ
ભરૂૂચની દૂધધારા ડેરીની આવનારી ચૂંટણીને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કરતા પત્ર લખ્યો છે. વસાવાના પત્રમાં જણાવાયું છે કે જિલ્લા પ્રમુખ જૂના કાર્યકરોની અવગણના કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર તેમજ દાદાગીરી કરનારા લોકોને આગળ ધપાવી રહ્યા છે.
સાંસદ વસાવાએ ભરૂૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને પત્રમાં લખ્યું છે કે, મારુતિસિંહ અટોદરિયાના સમયમાં પાર્ટીના જૂના અને સંઘર્ષમાં કામ કરનારા લોકોની અવગણના કરવામાં આવી હતી અને બીટીપીમાંથી આવેલા લોકોને ખોટી રીતે મહત્વના પદો પર બેસાડવામાં આવ્યા હતા. એ જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ પણ દૂધ ધારા ડેરીમાં આપતા નથી. તેઓ પોતાના ગામની ડેરીના પણ સભ્ય નથી, પરંતુ રાજકીય વગ વાપરીને અન્ય ડેરીમાંથી દરખાસ્ત કરાવીને ડેરીમાં ઉમેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે ? તે તો સમય જ બતાવશે.
સાંસદ વસાવાએ નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીમાં ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પણ આરોપ મૂક્યો છે. તેમણે પત્રમાં લખ્યું છેકે, ચાસવડ ડેરીમાં ભ્રષ્ટાચારીઓને કે જેઓ કૌભાંડમાં સામેલ છે તેઓને તમે અને જિલ્લા રજિસ્ટ્રાર કોઈ ને કોઈ પ્રકારે કોકના દબાણમાં આવી ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છો. આપણી પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે, શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે અને સરકાર અને સહકારમાં પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપે છે. તો આ જ પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ ઝઘડીયા એપીએમસીમાં જિલ્લામાં કે પ્રદેશમાં કોઈને પણ પૂછ્યા વગર પોતાની મનમાની કરી એપીએમસીનું માળખું બનાવી દીધું જે પાર્ટીની પરંપરા વિરુધ્ધ છે.
સાંસદ વસાવાએ પત્રના અંતમાં લખ્યું છેકે પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે મારૂૂતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી તો, મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના કરશો. મહત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપને સલાહ છે. આ પત્રથી ભરૂૂચ ભાજપમાં આંતરિક વિખવાદો સપાટી પર આવ્યા છે અને આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.