ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ નવા વર્ષને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યું હતું. વિક્રમ સંવત 2081ના આગમન નિમિત્તે ગઈકાલે સાંજે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઓસવાલ સેન્ટર, સાત રસ્તા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા સહિતના આગેવાનોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમોમાં કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમને સંબોધતા સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, આપણે સૌ નવા વર્ષમાં નવા ઉત્સાહ અને ઉમંગ સાથે કામ કરીશું.આપણે સૌ મળીને જામનગરને વધુ વિકસિત અને સમૃદ્ધ બનાવીશું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ કહ્યું હતું કે, પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને સમર્પણથી જ આપણે આજે આ સ્થાને પહોંચ્યા છીએ. આપણે સૌ મળીને ભારતને વિશ્વગુરુ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરીશું.
શહેર પ્રમુખ વિમલભાઈ કગથરાએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા આપણે સૌ એકબીજા સાથે જોડાયા છીએ. આપણે સૌ મળીને આગામી દિવસોમાં પણ આવા જ કાર્યક્રમોનું આયોજન કરીશું.આ સ્નેહ મિલન સમારોહ એ પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક અવસર હતો કે તેઓ એકબીજા સાથે મળીને સમય પસાર કરી શકે અને એકબીજાને વધુ સારી રીતે જાણી શકે. આ કાર્યક્રમ દ્વારા પાર્ટીમાં એકતા અને સહકારની ભાવના વધુ મજબૂત બની છે.