ભરાડ સ્કૂલને જિલ્લાની પ્રથમ સૈનિક સ્કૂલની મંજૂરી
રાષ્ટ્રીય ધારાધોરણો મુજબ મેદાનો, આવાસો અને વ્યાયામ શાળાઓને અપગ્રેડ કર્યા, આગામી માસથી પ્રવેશ પ્રક્રિયા
સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાજગતની આધારશીલા સમાન તથા સૌરાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓના ગણિત-વિજ્ઞાનના આદ્યગુરુ ગિજુભાઈ ભરાડનું સદાય એ સ્વપ્ન રહ્યું છે કે રાજકોટમાં એક સૈનિક સ્કૂલ હોવી જોઈએ. ભરાડ સ્કૂલ્સ અને સંકુલોના વર્તમાન સંચાલક સ્વરૂૂપે જતીનભાઈ ભરાડે ભરાડના આ સ્વપ્નને સાકાર કરી રાજકોટ માટે સૈનિક સ્કૂલની કેન્દ્રીય મંજૂરી મેળવીને હકીકતમાં સમગ્ર સૌરાષ્ટ્રના વાલીઓ અને વિદ્યાર્થીઓનું સ્વપ્ન સાકાર કર્યું છે.
આ અંગે આજે ભરાડ સ્કૂલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જતીનભાઈ ભરાડે કહ્યું કે ભરાડ વિશ્વ વિદ્યાપીઠ કેમ્પસને સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગતની સૈનિક સ્કૂલ સોસાયટીની વિધિવત મંજૂરી મળી જતાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26 થી સમગ્ર સૌરાષ્ટ્રના મુકુટમાં વધુ એક મોરપિચ્છ જેમ ગૌરવ ધરાવતી સૈનિક શાળાનો શુભારંભ થશે. ભારત સરકારે દેશમાં એક સો સૈનિક સ્કૂલને મંજુરી આપવાની છે. જેમાં ગુજરાતમાં સાત મંજૂર થઈ છે, તેમાં સૌરાષ્ટ્રમાં ત્રણ સ્કૂલ છે અને તેમાંથી રાજકોટ જિલ્લા ની એકમાત્ર સૈનિક સ્કુલ એટલે કે આપણને ભરાડ સ્કૂલને મળી છે.
જતીનભાઈ ભરાડે જણાવ્યું કે ભરાડ સૈનિક સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા (AISSEE) દ્વારા હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું કે અમારી શાળાઓમાંથી આજ સુધી હજારો ડોક્ટરો અને એન્જિનિયરો પ્રગટ થયા છે. ઉપરાંત લાખોની સંખ્યામાં એડવોકેટ, યાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ તથા મેનેજર કક્ષાના પ્રોફેશનલ્સ પણ તૈયાર થયા છે. હવે આપણા રાષ્ટ્રના ભાવિ સંરક્ષકોની પાઠશાળા દ્વારા તેઓનામાં માતૃભૂમિની સેવા માટેના ઉચ્ચ સંસ્કારો પ્રદિપ્ત કરવા એ અમારે માટે પરમ ગૌરવની ક્ષણ છે. આમ પણ શરૂૂઆતથી જ રાષ્ટ્રપ્રેમ એ ભરાડ શાળાઓના સંસ્કારનો એક ભાગ રહ્યો છે. આ નવી ભરાડ સૈનિક સ્કૂલ મુખ્યત્વે રાષ્ટ્રીય સંરક્ષણ શિક્ષણ (ડિફેન્સ એજ્યુકેશન)ની મુખ્ય ધારા સાથે જોડાશે.
આ પ્રસંગે સંસ્થાના વડીલ ગિજુભાઈ ભરાડે પત્રકારો સાથે સૈનિક સ્કૂલની વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું કે સૈનિક સ્કૂલ માત્ર મિસ્ટ્રી, એરફોર્સ કે નેવી માં જવા માટે જ નથી.સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ ઘરમાં, સમાજમાં, વ્યવસાયમાં એમ બધે શિસ્તબદ્ધ રીતે પ્રસ્તુત થાય છે જાણે કે તેમનો આખો અવતાર જ બદલાઈ જાય છે. સામાન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થી વચ્ચે આસમાન જમીનનો ફેર હોય છે, એ ફેર એમની નિત્ય દિનચર્યા અને જીવનશૈલીને કારણે હોય છે જે એને સૈનિક સ્કૂલમાં શીખવા મળે છે.