ભાણવડની પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ દ્વારા એક માસમાં 151 સરિસૃપોના કરાયા રેસ્ક્યુ
ભાણવડ વિસ્તારમાં આવેલી જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં વિવિધ પ્રકારના 151 જેટલા સાપ, અજગર વિગેરે સરિસૃપોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેને કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યા છે.
ભાણવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ચોમાસાના કારણે સમયાંતરે દેખા દેતા સાપ, અજગર સહિતના સરિસૃપો દરમાં પાણી ભરાઈ જતા તેમના શિકારની શોધમાં અને આ સમયગાળા દરમિયાન નવા બચ્ચાઓને જન્મ આપતા આવા સરિસૃપોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે.
ત્યારે ભાણવડ પંથકના રૂૂપામોરા, રોજીવાડા, ગુંદા, વિજયપુર, ભરતપુર, સહિતના જુદા જુદા ગામોમાં ખાસ કરીને વધુ નીકળતા કોબ્રા (ઝેરી સાપ) અને અજગર જેવા અનુસુચિત 1 યાદીમાં સમાવિષ્ટ સરિસૃપો જાહેરમાં નીકળતા આ અંગે એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવે છે. ગત સપ્ટેમ્બર માસમાં સંસ્થાને મળેલા કોલમાં 67 કોબ્રા, 16 ઇન્ડિયન પાયથન (ભારતીય અજગર), 44 રેટ સ્નેક (ધામણ) સહિતના 151 જેટલા સાપ, અજગર, વિગેરેને સંસ્થાના અશોકભાઈ ભટ્ટના વડપણ હેઠળ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જે તમામને બરડા ડુંગરના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વિનામૂલ્યે કરવામાં આવતા આ રેસ્ક્યુ કર્યા બાદ સ્થાનિકોને જે-તે સાપ વિશે માહિતગાર પણ કરવામાં આવે છે. અને ઘાયલ સાપોની સારવાર પણ કરાય છે. આ રેસ્ક્યુ કાર્યમાં અશોકભાઈ ભટ્ટની સાથે સોહિલ સાહ, દુદાભાઈ, મેરામણભાઈ, વિજય ખૂંટી, દત્ત દેસાઈ, લાલુ કારાવદરા, વિશાલ ભરવાડ અને અક્ષય જોડાયા હતા.