કાતિલ દોરાથી સાવધાન, ટ્રાફિક પોલીસે 650 વાહનોમાં સેફટીગાર્ડ લગાવ્યા
મકરસંક્રાંતિ ના તહેવાર પહેલાં જ ચાઇનીઝ દોરીથી લોકોના મોત થવાના મામલાઓ સતત સામે આવ્યા હતા.ઘાતક ચાઇનીઝ દોરી લોકોના પરિવારો વિખેરી નાખે છે.ત્યારે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારના કહ્યું હતું કે કાચ ચઢાવેલી કોટનની દોરી, જે પતંગ ચગાવવા માટે વપરાય છે એ નાગરિકો, પક્ષીઓ અને પશુઓ માટે ખૂબ જ ખતરનાક છે એટલે તે 14 અને 15 જાન્યુઆરીના ઉજવવામાં આવનાર ઉત્તરાયણમાં નહીં વાપરી શકાય.રાજકોટ શહેર પોલીસના સૂત્રો અનુસાર,હાલ હજારો રૂૂપિયાની દોરી પકડવામાં આવી રહી છે.પોલીસે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, ઉત્પાદન અને તેને ઉડાડવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
ચાઇનીઝ દોરા અંગે પોલીસ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની સિન્થેટિક દોરી, નાયલોન કે સિન્થેટિક મટીરિયલ, સિન્થેટિક પદાર્થથી કોટેડ હોય, નોન બાયોડિગ્રેડેબલ, કાચ, લોખંડ કે અન્ય હાનિકારક તત્ત્વોનો લેપ ચડાવીને દોરો તૈયાર કરવામાં આવ્યો હોય તેવા દોરા ખરીદવા, તેનો સંગ્રહ કરવા અને તેને વેચવા કે હેરાફેરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં આવી ચાઈનીઝ દોરી તેમજ હાનિકારક દોરીથી લોકોને ગળા કપાતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા યાદવના માર્ગરદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા એકાદ અઠવાડિયાથી ટુ વહીલમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસે અત્યાર સુધીમાં 650 જેટલા ગાર્ડ લગાવવામાં આવ્યા છે.તેમજ આ તકે પોલીસે જણાવ્યું હતું કે દસેક દિવસ પોતાના વાહનમાં બાળકોને આગળ ના બેસાડવા અને ગળામાં મફલર અને કોઈ સેફટી ગાર્ડ લગાવવામાં આવે જેથી ગળા પર કોઈ ઇજા ન થાય.