કેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડા
90 લાખની ક્રિપ્ટો યુ.એસ.ડી.ટી., 2.25 કરોડની રોકડ, 14 હજાર અમેરિકન ડોલર અને 8.50 લાખનું અન્ય વિદેશી ચલણ કબજે
ડમી બેંક ખાતા, આંગડિયા અને ક્રિપ્ટો દ્વારા વિદેશ નાણાં મોકલાતા હોવાનો ઘટસ્ફોટ, મોટા ધડાકા થવાના નિર્દેશ
"રાજકોટમાં કેસીનો કનેકશન ધરાવતા ‘ખેલાડી’ના પાંચ સ્થળે બે દિવસ તપાસ ચાલી”
કેસીનોમાં સટ્ટાબાજીના પ્રકરણમાં ઈડીએ રાજકોટ-ગોવા-મુંબઈ અને દિલ્હીમાં મોટાપાયે દરોડા પાડતાં જુગારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. કેસીનોમાં પડેલા ઈડીના દરોડાની તપાસમાં રાજકોટનું કનેકશન ખુલતાં ઈડીની ટીમ રાજકોટ આવી હતી અને બે દિવસ સુધી રાજકોટમાં ગોવાના કેસીનો સાથે કનેકશન ધરાવતાં એક ખેલાડીના પાંચ સ્થળોએ તપાસ કરી મહત્વના પુરાવા એકત્ર કરીને ઈડી રવાન થઈ હતી.
રાજકોટમાં ઈડીની તપાસને પગલે જુગારી આલમ અને ખેલાડીઓમાં ભારે ચર્ચા જાગી છે. જુગારમાં મોટુ નામ ધરાવતાં ખેલાડીનાં સાથે કનેકશન ધરાવતાં કેટલાક શકમંદોની પણ પુછપરછ કરવામાં આવી છે. ડમી બેંક એકાઉન્ટ, આંગણીયા અને ક્રિપ્ટો દ્વારા વિદેશમાં હવાલા નેટવર્ક મારફતે મોકલવામાં આવેલા કરોડો રૂપિયાના લેવડ-દેવડમાં ઈડી ટૂંક સમયમાં જ મોટો ખુલાસો કરે તેવી શકયતા છે.
ગોવામાં બીગ ડેડી કેસીનો નેટવર્ક ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ દરોડા પાડયા હતાં. ગેરકાયદેસર કેસીનો અને જુગાર નેટવર્કમાં ઈડીએ તપાસ કરતાં ગોવા ઉપરાંત રાજકોટ, મુંબઈ અને દિલ્હીનું કનેકશન ખુલ્યું હતું. જેમાં ગોલ્ડન ગ્લોબ હોટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ, વર્લ્ડવાઈડ રિસોટર્સ એન્ડ એન્ટરટેીનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાયેલા શખ્સોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં રાજકોટ કનેકશન પણ ખુલ્યું હતું. પ્રારંભીક તપાસમાં કેસીનો સાથે ગેરકાયદેસર રીતે સટ્ટાબાજીનો પ્રમોશન કરવામાં આવતું હોય જેમાં ક્રિપ્ટો કરન્શી તથા આંગડીયા, ડમી બેંક એકાઉન્ટ દ્વારા વિદેશમાં પૈસા મોકલવામાં આવતાં હોવાનું જાણવા મળ્યું હતું.
ઈડીએ પાડેલા દરોડામાં 90 લાખની ક્રિપ્ટો યુએસડીટી, 2.25 કરોડ રોકડા, 19000 યુએસ ડોલર રોકડા, 8.50 લાખનું વિદેશી ચલણ કબજે કરવામાં આવ્યું હતું. કેસીનો નેટવર્કમાં ગેરકાયદેસર રીતે વિદેશી ચલણ માટે પોકર ચીપ્સ અને અન્ય ક્રિપ્ટો દ્વારા રૂપિયાની લેતી-દેતી અને હવાલા થતા હોવાનું પર્દાફાશ થયો છે. rolex777.co. Co., iCasino247.com, play 247s.com, Win Daddy, Poker Daddy સહિત અનેક ઓનલાઈન જુગાર વેબસાઇટ્સનો પ્રચાર પણ બહાર આવ્યો હતો, જે કથિત રીતે કેસિનો સ્ટાફ દ્વારા ચલાવવામાં આવતી હતી.
તપાસમાં હવાલા નેટવર્ક અને ક્રિપ્ટો-આધારિત ફંડ ટ્રાન્સફર દ્વારા સરહદો પાર નાણાં ટ્રાન્સફર કરવા માટે ક્રિપ્ટોકરન્સી વોલેટ્સ, આંગડિયા સેવાઓ અને બેંક ખાતાઓનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું હતું.
ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દરોડામાં દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ જપ્ત કર્યા છે. ઈડીએ ઉમેર્યું હતું કે આ કાર્યવાહી ગેરકાયદેસર જુગાર રેકેટ પર વ્યાપક કાર્યવાહીનો એક ભાગ છે જેનો હેતુ બિનહિસાબી વિદેશી ચલણ અને હવાલા નેટવર્કને રોકવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટમાં ત્રણ ખેલીઓને ત્યાં પાંચ સ્થળે ઈડીની તપાસથી જુગારી આલમમાં સોંપો
કેસીનો અને સટ્ટાબાજીના કનેકશનને લઈને ઈડીએ રાજકોટમાં પાંચ સ્થળોએ દરોડા પાડયા હતાં. જેમાં કાલાવડ રોડ પર રહેતાં અને સટ્ટાબાજીના કિંગ સાથે નજીકનો સંબંધ ધરાવતા મેષ રાશીના નામ ધારક અને વૃશ્ર્ચિક રાશીના નામ ધારકને ત્યાં તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત મકર રાશીના નામધારકને ત્યાં પણ ઈડી ત્રાટકી હતી. બે દિવસ સુધી ઈડીએ કરેલી તપાસમાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા કબજે કરવામાં આવ્યા છે. ક્રિકેટ સટ્ટા ઉપરાંત કેસીનો અને સટ્ટાબાજી સાથેનું કનેકશન ધરાવતાં આ મેષ, મકર અને વૃશ્ર્ચિક રાશીના નામધારકોને ત્યાં ઈડીએ તપાસ કરતાં મહત્વના પુરાવાઓ મળ્યા છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ખેલાડીઓને લઈને ઈવેન્ટના નામે ગોવા અને નેપાળ સહિતના રાજ્યોમાં જુગાર રમવા લઈ જતાં આ ત્રણ મોટામાથાઓ કે જેઓ રાજકીય કનેકશન પણ ધરાવે છે તેમને ત્યાં ઈડીએ તપાસ કરતાં હવે આગામી દિવસોમાં આ મામલે ચોંકાવનારા ખુલ્લાસા થાય તેવી શકયતા છે.