જૂનાગઢના લાડુડી ગામે થયેલી હત્યામાં બે શખ્સોને શંકાનો લાભ
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના લાડુડી ગામની સીમમાં તા. 17-9-1996ના ખેતીની જમીનમાં પાણીના નિકાલ બાબતે થયેલી તકરારમાં કોળી પ્રૌઢ રામદેવભાઈ કેશવભાઈ ગોરડની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતાં અદાલતે બે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, માળિયા હાટીના લાડુડી ગામે રહેતા જેસાભાઈ રામદેવભાઈ ગોરડે તા. 17-9-1996ના માળિયા હાટીના પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે અરશીભાઈ કાનાભાઈ કારડિયા, ગોવિંદભાઈ કાનાભાઈ કારડિયા, બાબુભાઈ અરસીભાઈ કારડિયા અને રામભાઈ વિરાભાઈ કારડિયા સામે આઈપીસીની કલમ 302, 307, 324, 504, 34, 114 અને 135 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી તેમના પિતા રામદેવભાઈ અને પરિવારજનો ખેતરમાં કામ કરતા હતા ત્યારે બાજુમાં જ ખેતર ધરાવતા આરોપીઓએ પાણીના નિકાલ બાબતે ઝઘડો કરી કુહાડી, કોદાળી, પાઈપ જેવા ઘાતક હથિયાર વડે ફરિયાદી અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી તેના ભાઈ અને પિતાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પિતા રામદેવભાઈને માથામાં કુહાડીના ઘા ઝીંકી દેતા તેમનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.
આ કેસમાં ચાર્જશીટ બાદ ચાલવા પર આવતા સેસનકોર્ટમાં કુલ 37 જેટલા દસ્તાવેજી પુરાવા અને 18 સાહેદો તપાસવામાં આવ્યા હતા ત્યારે લાંબા કાનુની જંગ દરમિયાન આરોપી અરસીભાઈ કાનાભાઈ કારડિયા અને ગોવિંદભાઈ કાનાભાઈ કારડિયાનું અવસાન થતાં તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવેલ જ્યારે અન્ય બે આરોપી બાબુભાઈ અરશીભાઈ કારડિયા અને રામભાઈ વિરાભાઈ કારડિયા સામે કેસ ચાલ્યો હતો જેમાં એફએસએલ રિપોર્ટ અને પુરાવાને ધ્યાને લઈ ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે. તેમ ઠરાવી અદાલતે બન્ને આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના અંશ ભારદ્વાજ, ધિરજ પિપળિયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જિજ્ઞેશ વિરાણી સહિતના વકીલો રોકાયા હતાં.