બાર એસો.ના સેક્રેટરી વેકરિયાનું સભ્યપદ યથાવત રાખવાના BCGના હુકમ સામે BCIનો મનાઇ હુકમ
વકીલોની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે ચાલતા જૂથવાદમાં કાનૂની લડાઈના એંધાણ
બાર એસો.નો ઠરાવ બી.સી.જી.એ રદ કરતા સંદીપ વેકરિયાએ સમરસ પેનલમાંથી જો.સેક્રેટરી પદે નોંધાવેલી ઉમેદવારી વિવાદમાં
રાજકોટ બાર એસોશિએશનનાં સેક્રેટરી એડવોકેટ સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાનો બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરાયો હતો. જે ઠરાવને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રદ કરવાનો હુકમ કર્યો હતો. જે હુકમ સામે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્ટે આપતા કાનૂની જંગના એંધાણ મંડાયા છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલમાંથી જોઈન્ટ સેક્રેટરી પદે સંદીપ વેકરીયાએ ઉમેદવારી નોંધાવી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્ટે આપતા હવે તેની અસર બાર એસોસિએશનની ચૂંટણી ઉપર પડશે.
રાજકોટ બાર એસોસિએશનમાં ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ દર વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉડીને આંખે વળગે છે. ત્યારે ગત બાર એસોસિએશનની ચૂંટણીમાં સેક્રેટરી પદે ચૂંટાયેલા સંદીપ વેકરીયાએ રાજકોટ બાર એસોસિએશનની ગરિમાને લાંછન લાગે તે રીતે બાર એસોસિએશનના હોદેદારો અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના સહ અધ્યક્ષ દિલીપભાઈ પટેલ વિરુદ્ધ આક્ષેપ કરતું રાજીનામુ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું. જેને પગલે બાર એસોસિએશન દ્વારા સંદીપ વેકરીયાનું રાજીનામુ સ્વીકારી બાર એસોસિએશનમાંથી સભ્યપદ રદ કરતો ઠરાવ કર્યો હતો.
રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ સામે સંદીપ વેકરીયા દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અપીલ દાખલ કરી હતી.ગુજરાત બાર એસોશિએશનની કમિટીની વર્ચ્યુઅલ મોડમાં બેઠક યોજાઈ હતી.જેમાં અરજદાર સંદીપ વેકરીયા દ્વારા કરાયેલી રાજકોટ બારમાં ચૂંટણી કમિશ્નર નિયુક્ત થયાં બાદ એસોશિએશનનો વહીવટ અને સંચાલન કમિશ્નરને સોંપવા તેમજ ગઈ તા.29-11નાં એસોશિએશનનાં હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા ગઈ તા.29-11નાં કરાયેલ તેનું સભ્યપદ રદ કરવાનાં ઠરાવને રદ કરવાની અરજી કરાઈ હતી. આ બેઠકમાં અરજદાર ઉપરાંત રાજકોટ બારનાં પ્રમુખ અને ઉપપ્રમુખ પણ જોડાયા હતા. જેમાં અરજદાર સંદીપ વેકરીયાએ રજૂઆત કરી હતી કે ગઈ તા.29-9નાં મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ એસોશિએશન તરફથી તેને, નોટીસ અપાઈ હતી. જેનાં જવાબમાં જરૂૂરી દસ્તાવેજોની નકલ મેળવવાં અરજી કરી હોવા છતાં નકલો પૂરી પાડવામાં આવી ન હતી.એટલું જ નહીં સભ્યપદ રદ કરવાનો નિર્ણય કરતા પહેલાં તેને સ્પષ્ટીકરણની અથવા રૂૂબરૂૂ રજૂઆત કરવાની તક આપવામાં આવી ન હતી. તેનું નામ મતદાર યાદીમાં હોવા છતાં ઉમેદવારી ન કરી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
બીજી તરફ રાજકોટ બારના પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું હતું કે અરજદારને ખુલાસો રજૂ કરવા નોટીસ અપાઈ હતી. તેમજ માંગેલી નકલો તૈયાર હોવા છતાં અરજદારે નકલો મેળવી ન હતી. તેમજ નોટીસનો જવાબ આપ્યો ન હતો. અરજદાર એસો. વિરુદ્ધ પાયાવિહીન આક્ષેપો કરતા હોવાથી તેમને જવાબ આપવાં હાજર થવાં તક આપવામાં આવી હોવાં છતાં તે હાજર રહ્યા ન હતાં આથી તા.29નાં સભ્યપદ રદ કરવાનો ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો. તેને લઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે બંને પક્ષની રજૂઆત બાદ અરજદાર સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાના નિર્ણયને ઈલેક્શન કમિટીએ ગેરકારદે હોવાનું ગણાવી તા.24-11નાં બાર એસો. દ્વારા પ્રકાસિત થયેલ મતદાર યાદીમાં નામ સામેલ હતું તે પ્રમાણે પુન: સામેલ કરવાનો અને તેઓ ચૂંટણી લડવા પાત્ર ગણાશે તેવો હુકમ કર્યો હતો.
બાર કાઉમસીલ ઓફ ગુજરાતના હુકમ સામે રાજકોટ બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ દાદ માંગતી રિવિઝન દાખલ કરી હતી. જે અરજી હાથ પર લેવામાં આવતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમ સામે સ્ટે ફરમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમ બાદ સંદીપ વેકરીયાએ ભાજપ લીગલ સેલની સમરસ પેનલમાંથી જોઈન્ટ સેક્રેટરી પદે ઉમેદવારી નોંધાવી હતી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્ટે ફરમાવતા સંદીપ વેકરીયાના ચૂંટણી લડવા મુદ્દે કોર્ટ પરિસરમાં ગણગણાટ શરૂૂ થયો છે.