માણાવદર પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા બાટવાના તબીબે દમ તોડયો
કેસોદથી પરત આવતી વખતે બાઈક સ્લીપ થતા ઘટી ઘટના; પરિવાર શોક મગ્ન
માણાવદરના બાટવા ગામે રહેતા અને ખરેર ગામે કલીનક ચલાવતાં તબીબ કેશોદ કામ સબબ ગયા હતાં અને જ્યાંથી બાઈક લઈને પરત આવતાં હતાં ત્યારે માણાવદર નજીક પહોંચતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા તબીબે સારવારમાં દમ તોડયો હતો. પ્રૌઢનાં મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માણાવદરના બાટવા ગામે રહેતાં રાણાભાઈ ઉકાભાઈ બારૈયા નામના 45 વર્ષના પ્રૌઢ ગત તા.18નાં રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ કેશોદથી ઘરે પરત આવતાં હતાં ત્યારે માણાવદર પાસે પહોંચતાં રાણાભાઈ બારૈયાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા રાણાભાઈ બારૈયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
જ્યાં સારવાર દરમિયાન રાણાભાઈનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક રાણાભાઈ બે ભાઈમાં મોટા હતાં અને બાટવા પાસે આવેલા ખરેર ગામે કલીનીક ચલાવતાં હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે. કામ સબબ કેશોદ ગયા હતાં. અને જ્યાંથી પરત ફરતી વખતે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.