બર્ધન ચોક વેપારીઓનું બીજા દિવસે તંત્ર સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન
જામનગર શહેરના હૃદય સમા બર્ધન ચોક અને આસપાસના દરબાર ગઢ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર રેકડી-પથારાવાળા ધંધાર્થીઓના વધી રહેલા દબાણોથી પરેશાન થયેલા સ્થાનિક વેપારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ સહિત સંબંધિત તંત્રને વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં અને ઉલટાનું પોલીસ દ્વારા ફરિયાદી વેપારીઓ અને તેમના ગ્રાહકોને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ શુક્રવાર સાંજથી સતત બીજા દિવસે શનિવારે પણ બર્ધન ચોક બંધ પાળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બર્ધન ચોકના વેપારીઓએ લાંબા સમયથી જાહેર માર્ગો પર થતા દબાણો અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે. તેમના કહેવા મુજબ, રેકડી અને પથારાવાળા લોકો દ્વારા મુખ્ય માર્ગો પર દબાણ કરવામાં આવતા ગ્રાહકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે, ટ્રાફિક જામ થાય છે અને વેપારીઓના ધંધાને પણ નુકસાન થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે વેપારીઓએ સ્થાનિક સ્તરે જામ્યુકોના એસ્ટેટ વિભાગ અને અન્ય અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
સમસ્યા વકરતાં તાજેતરમાં વેપારીઓના એક જૂથે રાજ્યના મુખ્યમંત્રી સુધી રૂૂબરૂૂ પહોંચીને જામનગર શહેરના બર્ધન ચોક, દરબાર ગઢ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પરના દબાણકારોને દૂર કરવા માટે વિસ્તૃત રજૂઆત કરી હતી. વેપારીઓને આશા હતી કે મુખ્યમંત્રી સુધી વાત પહોંચતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાશે અને તેમને દબાણની સમસ્યામાંથી મુક્તિ મળશે.
પરંતુ, વેપારીઓના આશ્ચર્ય અને આક્રોશ વચ્ચે, દબાણકારો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ તંત્ર દ્વારા ફરિયાદી દુકાનદારો અને તેમના દુકાને આવતા ગ્રાહકોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો વેપારીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે પોલીસ દ્વારા દુકાનોની આસપાસ પાર્ક થયેલા વાહનોના નો-પાર્કિંગના નામે હાજર દંડ ફટકારવામાં આવી રહ્યા છે, જેનાથી ગ્રાહકોમાં ભયનો માહોલ છે અને તેઓ બર્ધન ચોક આવવાનું ટાળી રહ્યા છે.
આટલું જ નહીં, વેપારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા દુકાનોની બહાર વેચાણ અર્થે રાખવામાં આવેલો માલ સામાન પણ ઝુંટવી જવામાં આવી રહ્યો છે, જે તંત્રની મનઘડત અને પક્ષપાતી કામગીરી દર્શાવે છે.
તંત્રની આ પ્રકારની કાર્યવાહી સામે નારાજગી અને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા માટે બર્ધન ચોકના વેપારીઓએ અનોખો માર્ગ અપનાવ્યો હતો. શુક્રવારે સાંજે પાંચ વાગ્યા બાદ બર્ધન ચોકના તમામ વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ પાળ્યા હતા. શનિવારે પણ બીજા દિવસે વેપારીઓએ બંધ યથાવત રાખીને બર્ધન ચોકમાં એકત્ર થઈ રામધૂન બોલાવી હતી. તંત્રની નિષ્ક્રિયતા અને હેરાનગતિ સામે આ શાંતિપૂર્ણ છતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન હતું.
વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવામાં નહીં આવે અને તેમને પોલીસ દ્વારા થતી હેરાનગતિ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. વેપારીઓએ માંગ કરી છે કે તંત્ર દબાણની મૂળ સમસ્યાનું નિરાકરણ લાવે અને કાયદેસર ધંધો કરતા વેપારીઓને હેરાન કરવાનું બંધ કરે. આ ઘટનાને પગલે બર્ધન ચોક વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે અને વેપારીઓ અને તંત્ર વચ્ચેનો ઘર્ષણ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.