બાર કાઉન્સિલના ચેરમેને મુખ્યમંત્રી- ગૃહમંત્રીને મળવા ફરી સમય માગ્યો
રાજ્યમાં વકીલ સમાજ અને પોલીસ વચ્ચે વારંવાર થતા ઘર્ષણના બનાવોને લઈ હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ના ચેરમેન જે.જે. પટેલ મેદાને આવ્યા છે. વકીલોના અધિકાર અને સન્માનને લઈને ચિંતા વ્યક્ત કરતા તેમણે મુખ્યમંત્રી સાથે તાત્કાલિક મુલાકાત માટે સમય માંગ્યો છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલે મુખ્યમંત્રી, કાયદામંત્રી તથા ગૃહમંત્રીને એક માસમાં બે વખત પત્રો લખ્યા છે પરંતુ સરકારે હજુ સુધી મુલાકાત આપી નથી.
તાજેતરમાં ભરૂૂચ જિલ્લામાંકોર્ટ પરિસરમાં એક વકીલને પોલીસ દ્વારા પ્રવેશ ન અપાય તેવો વિવાદ સર્જાયો હતો. જેના કારણે વકીલ સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાઓ એકાકી નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં પોલીસ અને વકીલ વચ્ચેની ઉગ્રતા દર્શાવે છે.
ચેરમેન જે.જે. પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વકીલ ન્યાયવ્યવસ્થાનો અભિન્ન હિસ્સો છે. તેમનું અપમાન કે અવરોધ સહન કરી શકાય નહિ. સરકાર વકીલ સમાજના સન્માન અને સુરક્ષા માટે ગંભીર પગલાં ભરે તેવી માંગ છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, BCGના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સાથે તાત્કાલિક મુલાકાત કરીને સમગ્ર મામલે પોતાની વકીલપત્ર રજૂ કરવાની તૈયારી કરી છે. તેમણે આ મુદ્દે તાત્કાલિક સમય આપવાની સરકારને અપીલ કરી છે.
અત્યારસુધીના ઘટસ્ફોટક બનાવો અને વકીલોના સુરક્ષાના મુદ્દે સરકાર કઈ રીતે પ્રતિસાદ આપે છે એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ BCGની આ પ્રવૃત્તિએ વકીલ સમાજમાં આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલે મુખ્યમંત્રી- ગૃહમંત્રી તથા કાયદામંત્રીને ગત તા.9 જુનના રોજ મુલાકાત માટે પત્ર લખ્યો હતો પરંતુ આજ સુધી મુલાકાત નહીં મળતા ગઇકાલે ફરી પત્ર લખીને મુલાકાતનો સમય માંગ્યો છે ત્યારે હવે તેમને કયારે મુલાકાત મળે છે તે જોવાનું રહ્યું.