ચાઇનીઝ માંઝા-તુક્કલ, લંગર, લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
દિવાળીથી લઇને ઉતરાયણ સુધી તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
આગામી દિવસોમાં આવી રહેલા દિવાળી, દેવ દિવાળી તેમજ 14 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરમાં ઉતરાયણ તહેવારની ઉજવણી કરાશે. આ પર્વને અનુલક્ષીને રાજકોટ શહેર વિસ્તારમાં જાહેર માર્ગો/રસ્તાઓ કે મકાનના ભયજનક ધાબા ઉપર ચડીને લોકો પતંગ ઉડાવતા હોય છે, જેને લઈને વ્યક્તિઓની જાનનું જોખમ ઊભું થવાની સંભાવના રહેલી છે.
જેથી રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ પ્રતિબંધિત હૂકમ બહાર પાડ્યો છે. જે તા.9 ઓક્ટોબરથી તા.6 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. કોઇ પણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા / ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર, પતંગ ચગાવવા (ઉડાડવા) માટે વપરાતી નાયલોન દોરી કે જે નાયલોન, સેન્થેટીક મટીરીયલ, કે સેન્થટીક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન-બાયોગ્રેડીબલ હોય તે ચાઇનીઝ દોરી મેળવવા.
સંગ્રહ કરવા, વેચાણ કરવા, અને તેનાથી પતંગ ચગાવવાના ઉપયોગ કરવા પર.તેમજ પતંગ ઉડાડવાથી કપાયેલ પતંગ/દોરી પકડવા પર, કોઇપણ પ્રકારના સેન્થટીક પ્રકારના દોરા, સુતરાઉ દોરા કે બીજા કોઇ પણ પ્રકારના દોરા લોખંડનો પાઉડર અથવા કાચનો ભુકો/પાઉડર કે અન્ય કોઇ પણ નુકશાનકારક પદાર્થ ચઢાવવામાં આવી તૈયાર કરવામાં આવેલ હોય તેવા દોરા મેળવવા, સેન્થટીક મટીરીયલ કોટીંગ થ્રેડ ખરીદવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા, તેનો ઉપયોગ કરવા, ઉત્પાદન કરવા, કે તેનાથી પતંગ ચગાવવા/ઉડાવવા માટે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે.
આ ઉપરાંત ઓનલાઇન પ્લેટફોર્મ મારફત વેચાતા ચાઇનીઝ માંઝા/ પ્લાસ્ટિક દોરી/ ગ્લાસ કોટેડ નાયલોન થેડ/ ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) વેચવા પર, દરેક સામાવાળોએ સેન્થટીક માંઝા/નાયલોન દોરી અથવા તેના જેવા સેન્થટીક કોટેડ દોરાની આયાત પર, સવારના 6 થી 8 તથા સાંજના 6 થી 8 ના ગાળા દરમ્યાન પક્ષીઓ તેમના માળામાંથી બહાર તથા પરત માળામાં આવવાનો સમય હોવાથી તે દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ તથા ઇજાગ્રસ્ત થાય છે. તેથી તે સમયગાળા દરમ્યાન પતંગ ઉડાવવા પર પ્રતિબંધ કરાયો છે.
ચાઇનીઝ તુક્કલ ઉડાવવા, ખરીદવા, આયાત કરવા, વેચાણ કરવા, કબજા કરવા, સંગ્રહ કરવા પર, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત કે સંગીત વગાડવા ઉપર કે ભારે વસ્ત્રનો કરવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ કરાયો છે. આ હુકમ તા.6 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે.