બોલના મના હૈ, બૂટલેગરને ત્યાં રેડ કરનાર પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ
ગુજરાત ભાજપમાં હવે ‘બોલના મના હૈ’ જેવી સ્થિતી જોવા મળી રહી છે. સરકારની નિષ્ફળતા કે, ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવનાર કાર્યકર્તા કે નેતાઓને શિસ્તના નામે બહારનો દરવાજો બતાવી દેવામાં આવે છે. તાજેતરમાં ભાવનગર જિલ્લામાં ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે આક્ષેપો કરનાર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઉપર શિસ્તનો કરોડો વિંઝાયા બાદ હવે દારૂના ધંધાનો પર્દાફાશ કરનાર માતરના પૂર્વ ધારાસભ્યને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. જોકે, ભાજપમાં શિસ્તાના નામે આડેધડ ચલાવવામાં આવતી તલવારથી કાર્યકરો નેતાઓમાં પણ નારાજગી જોવા મળે છે. લોકોના પ્રશ્ર્નોની રજૂઆતોનું સરકારમાં નિરાકરણ આવતું નથી અને જાહેરમાં બળાપો કાઢે તો શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે.
ભારતીય જનતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરતા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. લીંબાસીમાં બુટલેગરને ત્યાં લાઈવ રેડ કરતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે. ઋષિકેશ પટેલ પ્રભારી મંત્રી ગઇકાલે નડિયાદ આવતાની સાથે ખેડા જિલ્લા બીજેપી પ્રમુખ નયનાબેન પટેલ સાથે બંધ બારણે બેઠક કરી કેસરીસિંહને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ ઘણા સમયથી અમૂલ ડેરીમાં થતાં ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવતા હતા. BJP પાર્ટીમાં હોવા છતાં પણ અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે.
કેસરીસિંહ સોલંકીએ અગાઉ વર્ષ 2012થી બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા આવ્યા હતા. જોકે, એ બાદ અન્ય કાર્યકર્તાની પસંદગી થઈ હતી. કેસરીસિંહ સોલંકી જ્યારે ચાલુ ધારાસભ્ય હતા, ત્યારે તેમજ અન્ય ઘણી રીતે વિવાદોમાં આવી ચૂક્યા છે. જેમાં વિધાનસભામાં ક્રોસ વોટિંગ સહિતના વિવાદોમાં આવી ગયા હતા.