બગસરાના માવજીંજવા ગામે જમીન દબાણ મુદ્દે જૂથ અથડામણ, ગુનો નોંધાયો
બગસરા તાલુકાના માવજીંજવા ગામે ગત સાંજે થયેલ જૂથ અથડામણ બાદ મોડી રાત્રે સામ સામે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં આજે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવેલ છે.
બગસરા તાલુકાના માવજીંજવા ગામે થયેલ દબાણની અરજી સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ આદરવામાં આવી હતી. તપાસ માટે શુક્રવારે તાલુકા વિકાસ અધિકારી માવજીંજવા મુકામે આવતા અરજી કરનાર તથા દબાણ કરનાર બંને પક્ષના ટોળા એકઠા થઇ જતા થોડીવારમાં જ મામલો ગંભીર બન્યો હતો. ઉસ્કેરાયેલા ટોળાએ એકબીજાને સામસામે માર મારતા મોડી રાત્રે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં બીપીનભાઈ નાનુભાઈ પાધરા દ્વારા દિવ્યેશ ગીરી ગોસાઈ ઉર્ફે લાલો, કુલદીપ પરી ગોસાઈ, શૈલેષ પરી ગોસાઈ સામે ગાળો આપી મૂઢમાર મારવાની તથા જાનથી મારી નાખવાની ફરિયાદ કરેલ છે. સામા પક્ષે નાગજીભાઈ લક્ષ્મણભાઈ જાદવ દ્વારા ઘનશ્યામભાઈ નાનુભાઈ પાધરા, બીપીનભાઈ નાનુભાઈ પાધરા, વનરાજભાઈ બાવાભાઈ વાળા, સહિત કુલ નવ વ્યક્તિ ના ટોળા સામે એસ્ટ્રોસિટી એક્ટ તેમજ હુમલો કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે.
ગામમાં થયેલ આ જૂથ અથડામણ બાદ આજે શનિવારે દલિત સમાજના આગેવાનો દ્વારા નાગજીભાઈ લક્ષ્મણભાઈ જાદવ દ્વારા કરવામાં આવેલ એસ્ટ્રોસિટી ની ફરિયાદ સંદર્ભે એસ્ટ્રોસિટી સહિતની તમામ ફરિયાદો ખોટી હોય ગામના અસામાજિક તત્વો સાથે મળી આવી ફરિયાદો કરવામાં આવતી હોય કોઈ પગલાં ન લેવા તેમજ ગામનું વાતાવરણ ન બગડે તે માટે યોગ્ય કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.