AG ઓફિસના નિવૃત્ત અધિકારીના મેડિકલેઇમ ચૂકવવામાં બાબુ શાહી, પાંચ માસથી પરિવાર પરેશાન
અમદાવાદ રૂબરૂ ધક્કા, ફાઇલમાં કાગળ હોવા છતા નહીં હોવાના બહાના: મૃતક અધિકારીના પુત્રનો આક્ષેપ
રાજકોટમાં એ.જી. ઓફિસમાં 30 વર્ષ સુધી નોકરી કરનાર નિવૃત સિનિયર ઓડિટર સોમેશ્ર્વર પંડ્યાનું બિમારી સબબ અવસાન થતા તેના મેડિકલના રૂા.2.45 લાખના મેડિકલ બિલ માટે પરિવારજનોને ભારે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.
સ્વ.સોમેશ્ર્વર પંડ્યાના પુત્ર પ્રતિકભાઇ પંડ્યાએ ‘ગુજરાત મિરર’ સમક્ષ વેદના ઠાલવતા જણાવ્યુ હતુ કે, તેના પિતા સોમેશ્ર્વર પંડ્યા 30 વર્ષ સુધી એ.જી. કચેરીમાં સિનિયર ઓડિટર તરીકે સેવા આપી નિવૃત થયા હતા.
ગત સપ્ટેમ્બર-2024માં બિમારીના કારણે તેમનું અવસાન થતા ડિપાર્ટમેન્ટના નિયમો મુજબ ગત ડિસેમ્બર-2024માં હોસ્પિટલ અને દવાના ખર્ચ માટે રૂા.2.45 લાખનો મેડિકલેઇમ મુકયો હતો પરંતુ છેલ્લા પાંચ માસથી તેઓ સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (સી.જી.એચ.એસ.) અમદાવાદની કચેરીઓમાં આ માટે રજૂઆતો કરી રહ્યા છે અને ચાર વખત રૂબરૂ પણ ધક્કા ખાધા છે. આમ છતા આજ સુધી મેડિકલેઇમની રકમ તેમને મળી નથી. એક માસ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દિલ્હીને પણ ઇમેઇલ દ્વારા રજૂઆત કરી હોવા છતા કોઇ કાર્યવાહી થઇ નથી.
પ્રતિકભાઇ પંડ્યાએ જણાવ્યું હતુ કે, સરકારી નીતિ-નિયમો અને લિસ્ટ મુજબ હોસ્પિટલના તમામ કાગળો જમા કરાવી દીધા હોવા છતા વારંવાર ફાઇલમાં જ રહેલા અલગ-અલગ કાગળો માંગી સીજીએચએસના અધિકારીઓ દ્વારા કલેઇમ પાસ કરવામાં આવતો નથી. જેના કારણે પોતાનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં સપડાયો છે.
તેમણે આક્ષેપ કરેલ કે, ચેકલિસ્ટ મુજબ જરૂરી તમામ દસ્તાવેજો મેડિકલ રિએમ્બર્સ કમિટિને ફાઇલ સાથે જ સોંપીદેવામાં આવ્યા હતા. આમ છતા વારંવાર નવા-નવા કાગળો માંગવામાં આવે છે. વીમાં પ્રમાણપત્ર પહેલેથી જ ફાઇલ સાથે જોડેલ હતુ છતા તેના માટે ફરીથી બોલાવવામાં આવ્યા અને ગેર હાજર રહ્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. કચેરીમાં કોઇ ભાગ્યે જ કોઇ ફોન રિસિવ કરે છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, કલેઇમ માટે રજુ કરાયેલ દસ્તાવેજો માટે દરેક વખતે અલગ-અલગ સવાલો પુછવામાં આવે છે. ફાઇલમાં દસ્તાવેજો હોવા છતા દસ્તાવેજો નહીં હોવાનો જવાબ આપવામાં આવે છે. અને ચેકલિસ્ટમાં ન હોય તેવી વાતો માટે મેડિકલ કમિટિ દબાણ કરી દાવો અટકાવી રહી છે.
આ સિવાય મૃતકના પુત્રએ જણાવ્યુ કે, તેમણે રાજભાઇ નામના કર્મચારીને દસ્તાવેજો યોગ્ય રીતે ટેગ કરીને આપ્યા હતા. છતા કમિટિએ દસ્તાવેજો નહીં હોવાના સવાલ ઉઠાવ્યા હતા. જયારે ડિસ્પેન્સરીના કર્મચારી સતીષજીએ જણાવ્યુ કે, દસ્તાવેજો ફાઇલમાં જ છે. આમ જવાબદારીની ફેંકાફેંકી કરી કલેઇમનું ચૂકવણુ અટકાવવામાં આવી રહ્યું છે.