શાકભાજીના ધંધાર્થી પરિવાર ઉપર આવારા તત્ત્વોનો ધોકા-પાઈપ વડે હુમલો
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા અવધના ઢાળ પાસે શાકભાજીના ધંધાર્થીએ ગાળો બોલવાની ના પાડતાં પાંચ શખ્સોએ શાકભાજીના ધંધાર્થી પર હુમલો કર્યો હતો. યુવકને બચાવવા વચ્ચે પડેલા માતા-પિતા અને ફૈઈ ફુવા સહિતનાને આવારા શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસનો દૌર લંબાવ્યો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ કેશોદના કેવદરા ગામના વતની અને હાલ મેટોડા જીઆઈડીસીમાં રહેતા નૈમિષ પ્રવિણભાઈ સોલંકી નામનો 23 વર્ષનો યુવાન અવધના ઢાળ પાસે ડો.આંબેડકરનગર આવાસ યોજનાની સામે પોતાની શાકભાજીની કેબીન ઉપર હતો ત્યારે વિજય ઉર્ફે કાળીયો અપુડો અને ભુરો સહિતના પાંચ શખ્સો શાકભાજીની કેબીન પાસે ગાળો બોલતા હતાં તેથી શાકભાજીના ધંધાર્થી નૈમિષ સોલંકીએ ગાળો બોલવાની ના પાડતાં પાંચેય આવારા શખ્સો ઉશ્કેરાયા હતાં અને યુવાન ઉપર કાચની બોટલોના આડેધડ ઘા કરી ધોકા-પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને બચાવવા વચ્ચે પડેલા તેના માતા-પિતા અને ફૈઈ ફુવાને પણ પાંચેય શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.