For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ ડિવિઝનમાં પ્રથમ વખત ખાનગી રેકમાં એવિએશન: ટર્બાઇન ફયૂઅલનું પરિવહન

04:00 PM Sep 06, 2025 IST | Bhumika
રાજકોટ ડિવિઝનમાં પ્રથમ વખત ખાનગી રેકમાં એવિએશન  ટર્બાઇન ફયૂઅલનું પરિવહન

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવહન ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કાનાલુસ ખાતેથી પ્રથમવાર ખાનગી માલિકીની રેકમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)નું સફળતાપૂર્વક લોડિંગ કરવામાં આવ્યું. આજનો દિવસ રાજકોટ ડિવિઝન માટે ઐતિહાસિક છે, કારણ કે ભારતીય રેલવેમાં આ પ્રકારની લોડિંગે નિયમિત માલવહન દ્વારા આવકનો માર્ગ મોકળો કર્યો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)નો ઉપયોગ મુખ્યત્વે જેટ એન્જિનવાળા અને ટર્બો-પ્રોપ એન્જિનવાળા વિમાનોને શક્તિ આપવા માટે થાય છે.

Advertisement

રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ રેલવેની આવકમાં વધારો કરવા માટે સતત નવા ટ્રાફિકને આકર્ષવાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસોના પરિણામ સ્વરૂૂપે આજે 49 વેગનવાળી પ્રથમ માલગાડી, જેમાં અંદાજે 2758 ટન એવિએશન ટર્બાઇન ફ્યુઅલ હતું, તે રિલાયન્સ રેલ ટર્મિનલ, કાનાલુસથી રવાના થઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાઇડિંગ, રેવાડી (હરિયાણા) માટે પ્રયાણ કર્યું. આ લોડિંગથી રાજકોટ ડિવિઝનને આશરે ₹64 લાખની આવક થઈ છે.

રાજકોટ ડિવિઝન સતત નવા વિચારો અને રણનીતિઓ પર કામ કરી રહ્યું છે જેથી વિવિધ ક્ષેત્રોમાંથી નવા પ્રકારના માલવહનને આકર્ષી શકાય અને રેલવેની આવકમાં વધુ વધારો કરી શકાય. આ ઐતિહાસિક સિદ્ધિથી માત્ર રાજકોટ ડિવિઝનની માલવહન ક્ષમતાને જ મજબૂતી નહીં મળે, પરંતુ ભાગીદારી અને સહયોગના નવા રસ્તા પણ ખુલશે. આવનારા સમયમાં એટીએફ સહિત અન્ય મુખ્ય ચીજવસ્તુઓનું પણ નિયમિત લોડિંગ થવાની શક્યતા છે, જેનાથી રેલવે માટે લાંબા ગાળાની અને સ્થિર આવકનો પ્રવાહ સુનિશ્ચિત થશે. આ પહેલ ભારતીય રેલવેને માલવહન ક્ષેત્રમાં વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement