થાનગઢમાં ખનીજચોરો ઉપર ફરી તંત્રના દરોડા
થાનગઢ તાલુકામાં ખનીજ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા.
ખાખરાવાળી વિસ્તારમાં આવેલી સ્ટોક હોલ્ડરની જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડાઈ હતી. સ્ટોક હોલ્ડર દ્વારા કાર્બોસેલનો અનધિકૃત સંગ્રહ અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. તેમની પાસે ખરીદી-વેચાણના કોઈ રજિસ્ટર કે આધાર-પુરાવા મળ્યા નથી.તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ આજુબાજુની સરકારી પડતર જમીન, ગૌચર અને ખાનગી જમીનમાં ખોદકામ કરી જથ્થો સંગ્રહ કર્યો હતો. સ્થળ પરથી 4 ડમ્પર, 1 જેસીબી, 2 ડબાસિયા લોડર, 1 હિટાચી મશીન, એક્સપ્લોઝિવ સેફ્ટી ફ્યુઝ બોક્સ અને ક્રશર પ્લાન્ટ મળી આવ્યા હતા. વધુમાં 1100 ટન કાર્બોસેલ અને 400 ટન સિલિકા સેન્ડનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. કુલ મળીને રૂૂ. 2.28 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટોક હોલ્ડર પાસે પર્યાવરણ મંજૂરી સહિતના જરૂૂરી પરવાનાઓ પણ નથી.
આરોપીઓએ વેસ્ટ માલ ઠાલવીને પર્યાવરણ અને જમીનને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તમામ સાધનસામગ્રી સીઝ કરી સ્ટોરેજ હોલ્ડર વિરુદ્ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ નિયમો 2016 હેઠળ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.એમની વિરુદ્ધ (1) ધ માઇન્સ એક્ટ 1952 (2) માઈન્સ એન્ડ મિનરલ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ-1957 (3) ગુજરાત ગૌણ ખનીજ છૂટછાટ નિયમો 2017 (4) ગુજરાત પ્રીવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ નિયમો 2016 (5) ઊઙઅ એકટ-1986 (6) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન (7)જમીન મહેસુલ અધિનિયમ 1879 (8) ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972 (9) ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન અધિનિયમ 1987 (10) લેબર એકટ-1948 (11) એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1980 (12) એક્સપ્લોઝિવ એક્ટ 1884 (13) એક્સપ્લોઝિવ રુલ્સ 2008 (14)ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020 (15) ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 (16) જીએસટી એક્ટ 2017 ભંગ બદલ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.