ઉપલેટાના જાળ ગામમાં ગેરકાયદે ધમધમતી ખાણો પર તંત્રના દરોડા
રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં ગેરકાયદે ધમધમતી ખાણો પર તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. છતા ંપણ ખનીજ માફિયા તંત્રના ડર વગર ખનીજ ચોરી કરી રહ્યા છે. ઉપલેટાના જાળ ગામે ચાલતી ખનીજ ચોરી પર મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવતા રૂા. 20 લાખથી વધુ ખનીજ ચોરી અને મુદ્દામાલ ઝડપાયો હતો.
ઉપલેટા તાલુકાના જાળ ગામ ખાતે બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદે ખનન/વહનની ખાનગી વ્યક્તિની હકીકત/ફરીયાદ આધારે એન. એમ. તરખાલા, ડેપ્યુટી કલેક્ટર, ધોરાજી દ્વારા ફરિયાદ મુજબના સ્થળે આકસ્મિક રેઇડ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી,ખાણ ખનીજ વિભાગ, રાજકોટ ને જાણ કરવામાં આવેલ. જેના અનુસંધાને ભૂસ્તશાસ્ત્રી, ખાણ ખનીજ, રાજકોટની ટીમના એસ. ડી. સેડવા (માઈન્સ સુપરવાઈઝર), એચ કે ગઢવી (માઈન્સ સુપરવાઈઝર) તથા ડી જી સાનિયા (સર્વેયર) એ તાત્કાલીક દોડી આવી તપાસ હાથ ધરેલ.
જે પૈકી તપાસ ટીમ દ્વારા જાળ ગામ ખાતે બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદે ખનન/વહનની ફરીયાદ અંતર્ગત છ ચકરડી મશીન(મોટર સહિત), 2 ડીઝલ જનરેટર તથા 1 ટ્રેકટર ટ્રોલી સાથે જેના રજી. નં.GJ-11-BJ-7245 એમ કુલ મળી રૂૂ.20,00,000/- નો મુદ્દામાલ સીઝ કરવામા આવેલ છે અને આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.