શહેર કોંગ્રેસનો કાંટાળો તાજ અતુલ રાજાણીના શિરે?
ટૂંક સમયમાં નવા નામની જાહેરાત થવાની શકયતા
લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે પ્રચારની ગાડી ટોપ ગિયારમાં નાખી દીધી છે,પરંતુ કોંગ્રેસમાં હજુ આંતરિક કમઠાણ અને ભાજપ ભણી હિજરતના કારણે ગાડી પતે ચડી નથી ત્યારે ચૂંટણી જાહેર થાય તે પહેલાં રાજકોટ શહેર કોંગ્રેસમાં સક્રિય પ્રમુખની નિમણૂક માટે પ્રદેશ કક્ષાએ તૈયારી થઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે. ટુંક સમયમાં જ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીની નિમણુક થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી જૂથબંધી, રાજકિય કાવાદવા, આંતરિક ખટપટના કારણે રાજકોટ શહેર કોંગ્રેસ ખખડીને ખાડે ગઇ છે. જેના કારણે છેલ્લી તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસે કારમી પછડાટ ખાધી છે. પરંતુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે શકિતસિંહ ગોહિલ નિમાયા બાદ શહેરના આગેવાનો વચ્ચે સંકલન ગોઠવી કોંગ્રેસને એકતાંતણે બાંધવા પ્રયાસો થયા છે અને હવે આગામી લોકસભા બેઠકમાં ભાજપને કાંટે કી ટક્કર આપવા સોશિયલ એન્જિનીયરીંગ ગોઠવવામાં આવ્યાનું મનાય છે.
આગામી લોકસભા બેઠકમાં કોંગ્રેસ તરફથી પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોર અથવા પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા અને જો પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ આગ્રહભર્યો આદેશ કરશે તો લડાપક આગેવાનની છાપ ધરાવતા ઈન્દ્રનીલ રાજગુરૂ લોકસભા ચૂંટણીમાં ઝુંકાવી શકે છે. એમ મનાય છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ લોકસભા બેઠક માટે તમામ જ્ઞાતિવાઈઝ સમીકરણો ગોઠવાય રહ્યા છે. શહેરમાં રઘુવંશી સમાજની મોટી વોટબેંક છે. ત્યારે તે અંકે કરવા કોંગ્રેસના નીવડેલા નેતા મનાતા રઘુવંશી આગેવન અને 108નું બિરૂદ મેળવનાર અતુલ રાજાણીને શહેર કોંગ્રેસ પ્રમુખપદ આપી શહેર કોંગ્રેસમાં નવો પ્રાણફૂંકવાનો નિર્ણય લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ રાજકોટ જિલ્લા સહિત 3 જિલ્લાની જવાબદારી પૂર્વીવપક્ષી નેતા ગાપત્રીબા અશોકસિંહ વાઘેલાને સુપ્રત થઈ છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણી માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લાની તમામ મુખ્યજ્ઞાતિના સફળ નિવડેલા રાજકારણીઓને પક્ષની વિવિધ જવાબદારીઓ સુપ્રત થઈ રહી છે. ટૂંકમાં જોઈએ તો રાજકોટ શહેર તથા જિલ્લાના આગેવાનો સાથે સતત સંકલન કરી પ્રદેશ ડાયસ સમિતિ રાજકોટ લોકસભા બેઠા માટે ભાજપ સામે પડકાર ઉભો થાય તે માટેની તકતો ગોઠવી રહ્યાનો ઘાટ જોવા મળી રહ્યો છે..