રાજકોટમાં લૂંટના ઇરાદે હોટેલ મેનેજરની હત્યાનો પ્રયાસ
- રિક્ષામાં મુસાફરના સ્વાંગમા બેઠેલા ચારેક શખ્સોનુ કૃત્ય : રોકડ લઇ ફરાર થયેલા આરોપીઓની શોધખોળ
રાજકોટ શહેરમાં રીક્ષા ગેંગનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. રીક્ષાગેંગ દ્વારા મુસાપરોને બેસાડી ઊલટી-ઉબકાના બહાને રોકડ અને દાગીના સેરવી લેવાના ગુના પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યો છે. ત્યારે વધુ એક ગંભીર બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
જેમાં બેડી ચોકડી પાસે આવેલી હોટેલના મેનેજર અને તેમના મિત્ર ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રાત્રીના સમયે મોબાઇલ ખરીદી પોતાના ઘરે પરત ફરવા રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમાં સવાર ચાર શખ્સોએ રોકડ ભરેલુ પાકીટ સેરવી લીધા બાદ થોડે આગળ બંન્નેને ઉતારી દીધા હતા. તેઓને પર્સ ચોરી થયાનું જણાતા બીજી રીક્ષા કરી તે રીક્ષાનો પીછો કરતા રીક્ષામાં બેઠેલા ચારેય શખ્સોએ તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ બનાવમાં બી-ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે હોટેલ મેનેજરના મિત્રની ફરિયાદ પરથી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો અનુસાર, મોરબી રોડ બેડી ચોકડી પાસેની રોયલ હોટેલમાં રહેતા અને ત્યાં જ જનરલ મેનેજરની નોકરી કરતા મનોજ ચંદ્રસિંહ (ઉ.વ.22) મુળ ઉત્તરપ્રદેશનો યુવાન ગઇકાલે તેમના મિત્ર જયપાલસિંહ (ઉ.વ.22) સાથે રાત્રીના સમયે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોબાઇલ ખરીદવા ગયા હતા. ત્યાંથી ભાડે રીક્ષા કરી પરત હોટેલ આવવા નીકળા ત્યારે રીક્ષામાં અગાઉથી જ ચાર શખ્સો બેઠેલા હતા. તેઓએ થોડે આગળ બંંન્ને મિત્રોને નીચે ઉતારી દીધા હતા. અને મનોજ ખીસ્સામાં હાથ નાખતા તેમનુ પર્સ રીક્ષામાં પડી જતાં તેમણે અન્ય એક રીક્ષા ભાડે કરી તે રીક્ષાનો પીછો કર્યો હતો.
આ રીક્ષાને આંતરી અટકાવતા પર્સ વિશે પુછતા ચારેય શખ્સોએ મનોજ અને તેમના મિત્ર પર હુમલો કર્યો હતો. મનોજને માથામાં ધોકાના ઘા ઝીંકતા તેમની હાલત હાલ ગંભીર હોવાનું જણાય છે. આ બનાવની જાણ થતા બી-ડીવીઝનના પીએસઆઇ કે.ડી.મારૂ અને રાઇટર મહેશભાઇ રૂદાતલાએ મનોજના મિત્રની ફરિયાદ પરથી રીક્ષા ગેંગના ચારેય શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી છે.