સલાયામાં યુવાન પર હુમલો: 10 શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અસલમભાઈ ભીખુભાઈ ચાકી નામના 27 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 29 મીના રોજ બપોરના સમયે તેમના ભાઈ સાહેદ આબીદ ભીખુભાઈ ચાકીને લઈને પાણીના ટ્રેકટરથી બોટમાં પાણી ખાલી કરવા ગયા હતા. તેઓ બોટમાં પાણી ખાલી કરી રહ્યા હતા, તે દરમિયાન અહીં આરોપી ઈરફાન પટેલ આવ્યો હતો અને તેણે ટ્રેક્ટર સાઈડમાં લેવાનું કહ્યું હતું. જે બાબતે ઈરફાન અને અન્ય આરોપી ઈમરાન પટેલ અને ઈમ્તિયાઝ પટેલે ફરિયાદીના ભાઈ આબિદ ચાકી સાથે બોલાચાલી કરી હતી.આ પછી ફરિયાદી અસલમ અને તેના ભાઈ આબિદ તેઓના ટ્રેક્ટરમાંથી પાણી ખાલી કરી અને બંદર ખાતેથી નીકળી ગયા હતા. પરંતુ ઉપરોક્ત બાબતનું મન દુ:ખ રાખીને આરોપી ઈમરાન, ઈરફાન અને ઇમ્તિયાઝએ ટ્રેક્ટરની આગળ આવીને ટ્રેક્ટર રોકાવી, આબિદને જમીન ઉપર પછાડી દીધો હતો. જ્યારે અન્ય આરોપી ઈસ્તિયાક પટેલ પણ ત્યાં હતો અને ઉપરોક્ત ચારેય આરોપીઓએ ભેગા મળી અને આબિદ ને બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી ફરિયાદી અસલમ અને તેના ભાઈ આબિદ સાથે આરીફ અને સલાયા પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા હતા. જ્યાં ઉભેલા અન્ય આરોપી આસિફ પટેલ, મુસ્તાક પટેલ, ફારુક પટેલ, હાજી ગંઢાર અને હુસેન પટેલે ફરિયાદી તથા સાહેદોને પોલીસ મથકની બહાર નીકળતા બિભત્સ ગાળો કાઢી, ગેરકાયદેસર મંડળી રચીને આડેધડ માર મારી, મૂઢ ઈજાઓ પહોંચાડી અને બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી અત્યારની ધોરણસર ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તમામ 10 આરોપીઓ સામે જરૂૂરી કાર્યવાહી કરી હતી.
ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે યુવાનનું મૃત્યુ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખામાં રહી અને એક દંગાની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતા પ્રફુલભાઈ ઉગાભાઈ વાઘેલા નામના 36 વર્ષના યુવાનને ગત તારીખ 29 મી ના રોજ સાંજના સમયે તેમની દંગાની ઓફિસમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મયુરભાઈ ઉગાભાઈ વાઘેલાએ ઓખા મરીન પોલીસને કરી છે.
ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
ખંભાળિયામાં ભાણવડ માર્ગ પરથી પોલીસે મૂળ આંબરડી ગામના અને હાલ સગારીયા ગામના રહીશ ભારત ખેંગારભાઈ માતંગ નામના 32 વર્ષના શખ્સને વિદેશી દારૂૂની સાત બોટલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 8,255 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂૂની આ બાટલીઓ તેણે મોટા કાલાવડ ગામના દીપક ઉર્ફે દીપુ વારોતરીયા પાસેથી લીધી હોવાનું ખૂલતાં પોલીસે હાલ તેને ફરાર જાહેર કરી, આગળની તપાસ હાથ ધરી છે.
દ્વારકામાં યાત્રિકોની નોંધ ઓનલાઈન સોફ્ટવેરમાં ન કરાતા હોટેલ સંચાલકો સામે કાર્યવાહી
દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા દ્વારકા સ્ટે હોમના સંચાલક દિલીપભાઈ માવજીભાઈ સોનગરા (ઉ.વ. 50) તેમજ ધીંગેશ્વર મહાદેવ મંદિર સામેની ગલીમાં આવેલા મહાકાળી ભવન ગેસ્ટ હાઉસના સંચાલક જયદીપભાઈ દેવજીભાઈ કણજારીયા (ઉ.વ. 39) અને રામપરા વિસ્તારમાં આવેલા જય ભવાની ભવન ગેસ્ટ હાઉસના સંચાલક જગદીશ રમેશભાઈ ગોહેલ (ઉ.વ. 40) દ્વારા પોતાના ગેસ્ટ હાઉસમાં આવતા યાત્રિકોની નોંધ પથિક સોફ્ટવેરમાં ન કરતા આ ત્રણેય આસામીઓ સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.