નિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયેલા પૂર્વ DySP મેવાડાની રૂા.300 કરોડની સંપતિ જપ્ત કરાશે
ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ડીવાયએસપી જે.જે. મેવાડાની સંપત્તિ જપ્ત કરવા આદેશ થયો છે. ભાજપ નેતા જયંતીલાલ જેઠાભાઈ મેવાડાની 300 કરોડની સંપતિ જપ્ત કરવા મોડાસા કોર્ટે આદેશ કર્યો છે. તેઓ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા. જો કે ભ્રષ્ટચારના ભરડામાં સંડોવાતા તેમને ભાજપમાં જોડાવું પડ્યું હતુ. જો કે તેમ છતાં તેમને બક્ષવામાં આવ્યા નથી.
વર્ષ 2022માં જ્યારે અમદાવાદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા, ત્યારે જયંતીલાલ મેવાડા વિરુદ્ધ 300 કરોડના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતની મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી. કલોલના વિરલગિરી ગોસ્વામીએ નિવૃત્ત ડી.વાય.એસ.પી અને આપ નેતા જયંતીલાલ મેવાડા સહિત પરિવારના અન્ય 6 વિરુદ્ધ અપ્રમાણસર મિલકત બાબતે અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ફરિયાદ કરી હતી.
જયંતીલાલ જે.મેવાડા કે જેઓ તલોદ તાલુકાના મોહનપુર ગામના વતની છે અને નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. કલોલના વિરલગીરી ગૌસ્વામીએ જે.જે.મેવાડા વિરુદ્ધ તેમની ફરજ દરમિયાન અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં 300 કરોડ કરતા વધુ ભ્રષ્ટાચાર કરી મિલકતો ગેરકાયદેસર ખરીદી હોવાનો આક્ષેપ કર્યા હતા. વધુમાં તેઓ 2014માં અને 2017માં ચૂંટણી લડ્યા ત્યારે પણ ખોટી એફિડેવિટ કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો હતો. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 24 મિલકતો વસાવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ તમામ મુદ્દાઓ બાબતે ફરિયાદી વિરલગિરી ગોસ્વામીએ મોડાસા સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.