For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ થશે જપ્ત

11:12 AM Jul 25, 2024 IST | admin
ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ થશે જપ્ત

રાજકોટના ‘સાગઠિયાકાંડ’થી જાગેલી સરકાર દ્વારા આગામી સત્રમાં કાયદો લાવવા તૈયારી

Advertisement

અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાતા જ સંપત્તિ જપ્ત કરી લેવાશે, જામીન માટે પણ આકરા નિયમો આવશે

રાજકોટના ટીઆરપી ગેમઝોન કાંડમાં ગઇકાલે જ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાયું છે. પોલીસ તપાસમાં જવાબદાર અનેક અધિકારીઓની સંડોવણી ઉપરાંત અપ્રમાણસર મિલકત પર બહાર આવી છે. હવે સરકાર ભ્રષ્ટ બાબુઓની અપ્રમાણસર મિલકતોને કબજે કરવા નવો કાયદો લાવવાની તૈયારી કરી છે.

Advertisement

આગામી સત્રમાં જ આ અંગે ગુજરાત સરકાર કાયદો લઇ આવવા માંગે છે જેમાં અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતા જ સરકાર તમામ સંપતિ જપ્ત કરી શકશે. ગાંધીનગરના વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારની અસંખ્ય ફરીયાદો મળી છે. આવા અધિકારીઓ અનેક કિંમતી જમીનો- ફાર્મ હાઉસમાં રોકાણ કરતા થઇ ગયા છે. આવા અધિકારી સામે આવક કરતા વધુ સંપતિનો કેસ દાખલ થયા બાદ તેમની અપ્રમાણસર મિલકત જપ્ત કરવા માટે લાંબી કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું.

સરકાર હવે તૈયારી કરી રહી છે કે એક વખત કેસ દાખલ થાય પછી તરત જ સરકાર કથિત અપ્રમાણસર મિલકત જપ્ત કરી શકશે. તેમજ તેની જામીન માટે પણ આકરા નિયમો આવશે. આ પ્રકારની સતા આપતો કાયદો એક મહીના પછી વિધાનસભામાં જ પસાર કરવાની તૈયારી સરકારે ચાલુ કરી દીધી છે. અગાઉ 2006માં ઓડીસામાં અને 2009માં બિહારમાં આ અંગેના કાયદા પસાર થઇ ચૂકયા છે પણ બાદમાં સુપ્રિમ કોર્ટમાં અરજી થતા અટકાવી દેવાયા છે.

સરકારે હાલમાં જ વટહુકમ બહાર પાડીને ઘણા અધિકારીઓને નિવૃતી પહેલા જ ઘરભેગા કરી દીધા છે. આ ઉપરાંત આઇએએસ સુરેશ ઓક, કે.રાજેશ પહેલેથી જ સસ્પેન્ડ કરાયા છે. એક આઇએએસ એસ.કે. લાંગા ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલ હવાલે છે. રાજકોટ મનપાના ટીપીઓ સાગઠીયા પર પણ ભ્રષ્ટાચારની તપાસ ચાલુ છે.

અધિકારીની જ નહીં પણ સગા-સંબંધી અને ડમીના નામે ખરીદેલી પ્રોપર્ટી પણ જપ્ત કરાશે

ભ્રષ્ટ અધિકારીઓ ગેરકાયદે મેળવેલા નાણાં મોટા ભાગે રીયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. આ ઇન્વેસ્ટમેન્ટ પોતાના નામે નહિં પણ સગા-સબંધી અને અમુક કિસ્સામાં ડમી નામે કરતા હોય છે. જેથી પોતાનું નામ ચોપડે ચડે નહીં. સરકાર આ પ્રકારના પેંતરાઓ સામે કાયદામાં જ જોગવાઇ કરીને અધિકારીને સંલગ્ન કોઇપણ પ્રોપટી ટાંચ-જપ્તી કરી શકે તે પ્રકારે જ કાયદો લાવીને આવા અધિકારીઓ સામે આકરા પગલા લેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement