આસારામને મળી મોટી રાહત, સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીન
આસારામને મોટી રાહત મળી છે. આસારામને ગુજરાત હાઇકોર્ટે હૃદય સંબંધિત બીમારીની સારવાર માટે 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે આ નિર્ણય રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા અન્ય એક કેસમાં અપાયેલા જામીનને ધ્યાનમાં રાખીને આપ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે આસારામને છ મહિનાના હંગામી જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ નિર્ણય પછી ચર્ચાનો માહોલ સર્જાયો છે. આસારામ વતી દલીલ કરવામાં આવી હતી કે જોધપુર હાઇકોર્ટે પણ તેમને છ મહિનાની મુદત માટે જામીન આપ્યા છે અને તેઓ હાલમાં હૃદય સંબંધિત ગંભીર બીમારીથી પીડિત છે. આવી પરિસ્થિતિમાં તેમને યોગ્ય સારવાર મેળવવાનો હક્ક છે.
હાઇકોર્ટે કહ્યું કે આસારામની મેડિકલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટ અલગ નિર્ણય લઈ શકતું નથી. જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારશે તો ગુજરાત સરકાર પણ એમાં જોડાઈ શકે છે. સરકાર પક્ષે કહ્યું કે જો જોધપુર જેલમાં પૂરતી મેડિકલ સુવિધા ઉપલબ્ધ ન હોય તો આસારામને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવો જોઈએ.
જ્યારે પીડિતાના વકીલ કહ્યું, આવી પરિસ્થિતિમાં આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે જગ્યાએ ફર્યો, કોઈ હોસ્પિટલના લાંબો સમય સારવાર લીધી નથી. સારવાર મળતી હોય તો જામીનની ક્યાં જરૂર છે. આરોગ્યમ મેડિકલ સેન્ટર જોધપુરમાં ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે. હંગામી જામીન આપવાની જરૂર નથી.
