બર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યો
હંગામી પોલીસ ચોકી ઊભી કરવા ઓટલો તોડી પડાયો: 12 રેંકડી કબજે કરાઇ
જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ના નિવારણ માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા ત્રણ દિવસથી કમર કસી રહ્યું છે, અને આજે પણ વહેલી સવારથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી.
વહેલી સવારથીજ એસ્ટેટ શાખાની ટુકડી ઉપરોક્ત વિસ્તારમાં ફરી વળી હતી, અને ગેરકાયદે રેકડી પથારાવાળા સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી.
સમગ્ર દિવસ દરમિયાન 12 રેકડી કબજે કરી લેવામાં આવી છે, તેમજ તમામ પ્રકારના પથારા વાળાઓને ઉપરોક્ત વિસ્તારમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે.
જેને લઈને દરબારગઢ થી વર્ધન ચોક અને છેક માંડવી ટાવર સુધીનો રસ્તો એકદમ સાફ સુથરો જણાયો હતો, અને સીટી બસ સહિતના મોટા વાહનો પણ સમગ્ર દિવસ દરમિયાન આરામથી પસાર થયા હતા.
એસ્ટેટ શાખાના અધિકારી નિતિન દિક્ષિત ઉપરાંત દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અને એસ્ટેટ ની ટિમ સમગ્ર દિવસ દરમિયાન બર્ધન ચોક વિસ્તારમાં જ ફરતી રહી હતી. સીટી એ ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા અને અન્ય પોલીસ સ્ટાફ ઉપરોક્ત વિસ્તારમાં પેટ્રોલિંગમાં જોડાયો હતો, અને ચુસ્ત બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.
બર્ધન ચોક સર્કલમાં હંગામી પોલીસ ચોકી ઊભી કરવાની હોવાથી ત્યાં રોડની મધ્યમાં જ એક મોટો ઓટલો સહિતનું દબાણ હતું, જે એસ્ટેટ શાખા ની ટુકડીએ તોડી પાડ્યું હતું, અને સર્કલ ખુલ્લું કરી નાખ્યું છે.
જ્યાં ટૂંક સમયમાં જ હંગામી પોલીસ ચોકી ઉભી કરવાનું મહાનગરપાલિકા નું આયોજન છે. તે દિશામાં આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
શહેરના દરબારગઢ સર્કલમાં આવેલા જલારામ રેસ્ટોરન્ટ દ્વારા પોતાના રેસ્ટોરન્ટ ની બહાર ગેરકાયદેસર રીતે ઓટલા ખડકી દેવાયા હતા, ત્યાં ગઈકાલે મહાનગરપાલિકાની ટુકડીએ પાડતોડ ઝુંબેશ હાથ ધરી હતી, અને ગેરકાયદે ઓટલા વગેરે તોડી નાખ્યા હતા. તે સમયે હોટલ સંચાલક દ્વારા એસ્ટેટ ના સ્ટાફ સાથે રકઝક્ કરવામાં આવી હતી.
ત્યારબાદ મોડીરાત્રીના તેણે ફરીથી બેલા સહિતનું કાચું દબાણ ફરીથી ઊભું કરી લીધું હતું. જેથી આજે ફરીથી એસ્ટેટ શાખાની ટુકડી દરબાર ગઢ સર્કલમાં પહોંચી હતી અને હંગામી ઊભું કરાયેલું દબાણ ફરીથી દૂર કરી નાખ્યું હતું, અને બેલા વગેરે કબજે કરી લઇ જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
એટલુંજ માત્ર નહીં હોટલ સંચાલક દ્વારા પોતાનો કચરો જાહેરમાં નાખવામાં આવતો હોવાથી ગંદકી થતી હોવાના કારણે આરોગ્ય વિભાગની ટુકડીઓ પણ તેની સામે દંડકીય કાર્યવાહી કરી હતી, અને 10,000 રૂૂપિયા નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.