બાળપણમાં એ ચૂલાની મેશવાળી દીવાલમાં સાઠીકડા વડે ચિત્રો દોરતા
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે 11,111 સ્કવેર ફૂટની રંગોળી બનાવી નયનાબેન કાત્રોડિયાએ સર્જ્યો હતો એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
ફાઇન આર્ટ્સની કોઈ ડીગ્રી વગર પોતાની આવડત, સૂઝ અને મહેનતના દમ પર નયનાબેન કાત્રોડિયાએ બનાવી છે પોતાની આગવી ઓળખ
બાળપણમાં ચૂલાના કારણે દીવાલ પર થતી મેશમાં સાઠીકડું લઈને એ દીકરી ચિત્રો દોરતી,ફરસાણમાં આવેલ છાપાના ચિત્રો હોય કે સાબુના રેપર ઉપરનું ચિત્ર હોય, અગરબતીના બોક્સ પર, કેલેન્ડરમાં,ગુજરાતી પાઠય પુસ્તકમાં દોરેલ ચિત્રો જોઈને આબેહૂબ ચિત્રો દોરતી. આ ચિત્રો દોરવાનું માધ્યમ ચોક,પેન્સિલ અને ક્યારેક ચૂનાના પથ્થરો પણ બનતા.એ સમયે ખબર નહોતી કે આ દીકરી મોટી થઈને કલાકાર બનશે,અનેક એવોર્ડ મેળવશે અને પોતાના જેવા ઉગતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડશે.આ વાત છે સુરતના નયનાબેન કાત્રોડિયાની જેઓ ક્લાર્પણ સંસ્થા દ્વારા અનેક વિદ્યાર્થીઓ,ગૃહિણીઓ સહિત દરેકમાં રહેલી કલાને તાલીમ આપી દિશા દેખાડે છે.
તેઓનો જન્મ ભાવનગરના અખતરિયા નામના નાનકડા ગામમાં થયો.માતા જમનાબેન લુખી અને પિતાજી બાબુભાઈ લુખી.ત્રણ બહેન અને બે ભાઈના પરિવાર વચ્ચે બાળપણ ખૂબ સુંદર અને ખુશખુશાલ રહ્યું.પિતાજીને ખેતીવાડીનું કામ હતું, ખૂબ શાંતિ અને સંતોષનું જીવન હતું. 10 ધોરણ બાદ લગ્ન કરી ગારિયાધાર આવ્યા.
બાળપણથી ડ્રોઈંગ ગમતું હતું એટલે બપોરે અને રાત્રે બધા સૂઈ જાય ત્યારે કાગળ પેન્સિલ લઈ અને ડ્રોઈંગ કરવા બેસી જતા.આ એવું કામ હતું જેમાં અંતરનો આનંદ હતો.પતિના કામ માટે સુરત શિફ્ટ થયાં. દીકરો ત્રીજા ધોરણમાં ભણતો હતો એ સમયે તેને ડ્રોઈંગ શીખવા ડ્રોઈંગ ક્લાસમાં મોકલ્યો ત્યારે પોતાને પણ આ ડ્રોઈંગ શીખવાની જિજ્ઞાસા થઈ.ડ્રોઈંગ પ્રત્યેની તેમની ધગશ અને મહેનત પતિએ જોઈ હતી તેથી તેમણે આ માટે અનુમતિ આપી ત્યારથી તેમની કલાની ગાડી પૂરપાટ દોડે છે. ડ્રોઈંગની ટેક્નિક અને પાયાનું જ્ઞાન મળવાથી જાણે સોનામાં સુગંધ ભળી.બાળમંદિરના બાળકોને ડ્રોઈંગ શીખવવા લાગ્યા. 3 બાળકોથી શરૂૂ કરેલ આ યાત્રા આજે 30,000 સુધી પહોંચી છે. હાલ વરાછા, મોટા વરાછા,વેસુ અને અડાજણ એમ ચાર બ્રાન્ચ છે, 6 શિક્ષકોનો સ્ટાફ છે તેમજ બહારના ઓર્ડરથી પણ તેઓ કામ કરે છે.સુરતમાં અનેક નામાંકિત લોકોના ઘર નયનાબેનના પેન્ટિંગથી શોભે છે. તાજેતરમાં ડિઝની કંપનીના અવતાર મૂવી માટે ‘એથ આલ્ફાબેટની રંગોળી બનાવવાની પણ તેમને તક મળી.આ ઉપરાંત હૈદરાબાદમાં મઝદા આર્ટ ફેસ્ટિવલમાં પણ સમગ્ર ગુજરાતમાંથી તેઓની એકની જ પસંદગી થઈ છે તે ખૂબ ગૌરવની વાત છે.
કલાના શોખ વિશે નયનાબેન માને છે કે જો તમે પેન્ટિંગને શોખ તરીકે ગણો છો તો તેમાં દિવસ, રાત, નફો, નુકસાન ન જુઓ અને એ માન્યતા અનુસાર જ તેમની સંસ્થાનું નામ પણ ક્લાર્પણ રાખ્યું છે.અહીં નાના બાળકોથી લઇ અને દરેક ઉંમરની વ્યક્તિ શીખી શકે છે.પેન્ટિંગ,સ્કેચ,ક્લે વર્ક,મ્યુરલ,ટેક્સચર પેન્ટિંગ,કલર પેન્સિલ વર્ક,ફેબ્રિક પેન્ટિંગ અને રંગોળી સહિત બધું જ શીખવે છે.ફાઇન આર્ટ્સની કોઈ ડીગ્રી વિના ફક્ત પોતાની આવડત,સૂઝ અને મહેનતના દમ પર તેઓએ પોતાની આગવી ઓળખ બનાવી છે.
2024માં અયોધ્યા મંદિરના ઉત્સવ સમયે તેઓએ 11,111 સ્કવેર ફૂટની રંગોળી બનાવીને એશિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે. 2022માં ખોડલધામ મંદિર કાગવડ ખાતે 75 ફૂટ બાય 30 ફૂટની સ્ટેચ્યુ ઓફ યુનિટીની રંગોળી 12 કલાકમાં પૂર્ણ કરી જેને ઇન્ડિયા બુક અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.તેઓ ગુજરાત ગૌરવ પુરસ્કારથી પણ પુરસ્કૃત છે તેઓ માને છે કે ડ્રોઈંગનો શોખ ખર્ચાળ નથી, પેન્સિલ અને નોટ લઈને બેસી જાવ અને તમારા શોખને પૂર્ણ કરો.
તેઓ જણાવે છે કે પેન્ટિંગના શોખે મને ઘણું આપ્યું છે.જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની રંગોળી બનાવી ત્યારે એકતા પરેડમાં વીઆઈપી,રાજકીય લોકો, આર્મી વગેરે સિવાય કોઈને એન્ટ્રી નહોતી છતાં અમને સાત કલાકારોને તેમાં વિશેષ એન્ટ્રી માટે અનુમતિ આપી એ મારા માટે યાદગાર અનુભવ છે.
જીવનના સંઘર્ષ વિશે તેઓએ જણાવ્યું કે કામ સાથે બાળકોને મોટા કરવા કે પછી મર્યાદિત આવકમાં ઘર ચલાવવું, વ્યવહાર સાચવવા વગેરે મોટો સંઘર્ષ નથી મારી ડ્રોઈંગ પ્રત્યેની ચાહ જોઈને પરિવારમાં દરેકે મને સપોર્ટ કર્યો છે.એ ચાહે સાસુ -સસરા હોય,દિયર-દેરાણી હોય કે પછી જેઠ -જેઠાણી હોય. મારા પતિ શૈલેષ કાત્રોડિયા અને બાળકો કેવિન તથા પ્રિયાંશીનો ફાળો પણ મહત્વનો છે.
પોતાની સફળતા બાબત તેઓએ જણાવ્યું કે જે રીતે સમય અને સંજોગ આવ્યા તેમ જીવન જીવાતું ગયું. કામથી ક્યારેય હાર માની નથી.જે તક મળી તે પરિશ્રમ અને પ્રારબ્ધ બંનેનો સમન્વય છે. મને જે આવડે છે એ અન્યને પણ શીખવું એવી ભાવના હંમેશા રહી છે એટલે જ જ્યારે કોઈ ઓર્ડર આવે ત્યારે મારી સાથે વિદ્યાર્થીઓને પણ તેમાં સાથે રાખું છું આજે દરેક વિદ્યાર્થીઓ પોતાની કલા દ્વારા કંઈક ને કંઈક બન્યા છે,સફળ થયા છે અને નામના મેળવીને તેમના કામની સુવાસ સર્વત્ર ફેલાવે છે
ફરિયાદ કરવાને બદલે પોતાના કામથી ઓળખ મેળવો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે ફરિયાદ કરવાનું છોડી દો. એક મહિલા તરીકે ઘર,પરિવાર,બાળકોની જવાબદારી નિભાવવી એ તમારી ફરજ છે. માતા, પત્ની કે ઘરની પુત્રવધૂ તરીકે તમારી જવાબદારી પૂર્ણ કરશો તો તમારા શોખ પૂર્ણ કરતા કોઈ રોકી નહીં શકે. ગૃહિણીની પાયાની ફરજ નિભાવ્યા બાદ તમારામાં જે આવડત છે તેને નિખારો,શોખને પૂર્ણ કરો તમારી પોતાની ઓળખ બનાવો.
Wrrten By: Bhavna Doshi