સોમનાથની ભાગોળે વિઘ્નહર્તાની મૂર્તિઓને ફાઇનલ ટચ આપતા કારીગરો
કારીગરોના કસબ અને કલામાંથી આકાર પામ્યા છે વિઘ્નહર્તા દેવ શ્રીગણેશ
આગામી દિવસોમાં ગણેશોત્સવ મનાવવા સર્વત્ર થનગનાટ છે. જેમ જેમ દિવસો નજદીક આવતા જાય છે તેમ તેમ મૂર્તિ સર્જનકર્તા કારીગરો મળેલા ઓર્ડર અને થનાર વેંચાણને માટે મૂર્તિઓને ફાઇનલ ટચ આપી રહ્યા છે.
સોમનાથની ભાગોળે આવેલ હિરણ નદીના પુલ પાસે વેરાવળ એસ.ટી. ડેપો સામેના રોડ ઉપર જુનાગઢ બાયપાસ પાસે અંદાજે 40 જેટલા ગણેશોત્સવ મૂર્તિ બનાવનારાઓના દંગા લાગી ચુકેલા છે.
હિરણ નદી પાસે ગૌશાળા સામેના કેસુભાઇ માંગેલાલ રાઠોડ કહે છે કે અમો મારવાડી પરિવારો કેટલીય પેઢીથી આ કામ કરીએ છીએ એક મૂર્તિ બનાવતા એક દિવસ લાગે અને અમો હુતાશણી પછી આ કામ શરૂ કરી દઇએ છીએ.
મૂર્તિ માટે આકારના ફર્મા- બીબા અમો મુંબઇથી લઇ આવીએ છીએ અને પીઓપી પાવડર અને નાળીયેરનું ભુસુ પલાળી કાસ્ટીંગ કરીએ અને ભુંસાનો હાથ બનાવી ફીનીસીંગ ટચીંગ કરીએ. અમો દસ જાતના વોટર કલર વાપરીએ છીએ અને મૂર્તિના અલંકાર માટે ડાયમંડ પણ વાપરીએ છીએ.
મૂર્તિ 1 ફુટથી છ ફુટની જ બનાવીએ છીએ. દશાનામાનું વ્રત પુરૂં થતાં જ અમારે ત્યાં બુકીનગ શરૂ થઇ જાય છે. માટીની મૂર્તિ ઘરાકને મોંઘી પડે છે જયારે પીઓપી મૂર્તિ સસ્તીપડે છે. પીઓપી મૂર્તિને વરસાદમાં યે વાંધો નથી આવતો અને હેરફેરમાં તુટવાનો ભય એટલો બધો નથી રહેતો જયારે માટીની મૂર્તિ વરસાદમાં તડ પડી જાય છે કે પાણીની ઘેરી અસર કરે છે.
હિરણ પુલ પાસેના તુલસી રામચંદ્ર મારવાડી મૂર્તિકાર કહે છે હું 20 થી 30 વરસથી આ ધંધામાં અને આ જ સ્થળે છું. અમો રેડીયમ વોટર કલર વાપરીએ છીએ. જેવા કે કેસરી, ગુલાબી, પીળો, પોપટ કલર, કાળો, જાંબુડો, બ્લુ, સફેદ અમારી પાસે 1500 રૂપીયાથી 15000 સુધીની મૂર્તિ બને છે.આ વરસે મૂર્તિઓમાં કયા નવા નવા આકારો છે. તે સમજાવતાં તુલસી મારવાડી કહે છે કે આ વરસે ગણપતિ શંકર રૂપે- અયોધ્યાપતિ રામ સાથે ગણપતિ- કિલ્લાવાળા ગણપતિ, રાજસિંહાસન, કળશવાળા, મહારાષ્ટ્રીયન પાઘડીવાળા, લાલબાગ જેવા તિરૂપતિ બાલાજી સાથેના ગણપતિ, મુષક સ્વાર ગણપતિ, કમલવાળા ગણપતિ હશે.દરેક મારવાડી કુટુંબો કહે છે અમારી ચારથી પાંચ પેઢીથી અમો આ જ કામ કરીએ છીએ. મોંઘવારી તો સાહેબ બહુ છે દર વરસે વરસાદ સિઝનમાં જ અમારે ગણપતિ બનાવવાના હોય જેથી તાલપત્રી મંડપ ઉપર અવશ્ય રાખવી પડે. કલરના ડબ્બા જે ગયે વરસે રૂપીયા 400 હતો તે આ વરસે રૂપીયા પાંચસો છે.
ગણપતિ દાદાની મૂર્તિના અલંકાર માટે જરી ડાયમંડ, ગોલ્ડન અને સીલ્વર કલર વાપરીએ છીએ. અમે વોટર કલર જ વાપરીએ છીએ. વર્ષભરની રોજીરોટી અમારા પરિવારની આમાથી જ નીકળે છે. ઉમ્મીદ અને આશા છે પર્વ અમારા ઘરમાં રિધ્ધી-સિધ્ધી લાવે.